વડગામમાં ઐતિહાસિક રક્તદાન કેમ્પ યોજાયો.
તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારના દિવસે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક નોંધપાત્ર ઘટના બની. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસના ચોપડે પ્રથમ વાર એક દિવસે ૫૫૧ બોટલ રકતની નોંધણી કરાવીને શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળે વડગામની ભૂમિને ગૌરવિંત કરી દીધી. જનની જણ તો કાં દાતા કાં સૂર ઉક્તીને શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળના ૫૫૧ નવલોહિયા યુવાનોએ મહાદાન રક્તદાન થકી સાર્થક કરી માનવતાનું પ્રેરણાદાયી કાર્ય કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી કેવું જીવ્યા એ મહત્વનું છે તે જ રીતે સમાજે તમને શું આપ્યું એ એટલું મહત્વનું નથી જેટલુ તમે સમાજ ને શું આપ્યું એ મહત્વનું છે. શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળના તમામ રકત દાતાઓએ પોતાનું અમૂલ્ય રક્ત ઉચ્ચ ભાવના સાથે દાન કરી સમાજની ખૂબ મોટી સેવા કરી છે, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ છે તે બદલ તે તમામ રક્તદાતાઓની જેટલી પ્રશંષા કરીએ એટલી ઓછી.
શ્રી બાવન વાંટા રાજપૂત સમાજમાં ત્રણ જિલ્લાઓ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કુલ મળીને ૧૦૮ ગામડાઓનો સમાવેશ થાય છે. આ દરેક ગામડાઓમાંથી રાજપૂત સમાજના ના યુવાનો માનવસેવાના આ કાર્યને દિપાવવા વડગામમાં આવેલી સરસ્વતી વિધ્યાલયમાં તા. ૧૦.૦૪.૨૦૧૬ને રવિવારના રોજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.કદાચ રક્તદાન કેમ્પમાં પ્રથમવાર એવું બન્યું કે બ્લડબેંક માનવતારૂપી આ ઘસમસતા રક્ત દાનના પ્રવાહને ૫૫૧ બોટલથી વધુ રક્ત બોટલ સ્વીકારવા અસમર્થ બની. અપેક્ષા બહારનું રક્તદાન થઈ રહ્યુ હતુ. ૫૫૧ બોટલ ઉપરાંત વધુ ૨૦૦ બોટલ રકતદાન કરવા રાજ્પૂત સમાજના યુવાનો થનગની રહ્યા હતા. પરંતુ આ ધસમસતા પૂરની માફક વધી રહેલા રક્તના પ્રવાહને ભૂમિ બ્લડ બેંકે ૫૫૧ નાં આંકડે અટકાવવો પડ્યો જે એક ઐતિહાસિક ઘટના ગણી શકાય.
યુવાનોને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો યુવાનોમાં એવી તાકાત છે કે જે વર્તમાન સમાજની દશા અને દિશા બન્ને બદ્લી શકે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ વડગામના આંગણે રાજપૂત સમાજના યુવાનોએ સિધ્ધ કરી બતાવ્યું.સોનામાં સુગંધ ભળે એમ આ રક્તદાનની સાથે સાથે જીવદયાનું કાર્ય પણ સાંકળી લેવામાં આવ્યું હતું. શ્રી બાવન વાંટા રાજપૂત યુવ શક્તિમંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી યુવાનોને પ્રોત્સાહિત કરતા દરેક રકતદાતાને પક્ષીઓને પીવાના કુંડાનું વિતરણ કરી જીવદયાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સુંદર કાર્યક્રમના અંતે શ્રી બાવનવાંટા રાજપૂત યુવા શક્તિમંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી વધુ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો જે નીચે મુજબ છે.
પ્રશ્ન :- આપના સંગઠનને મહારક્તદાન કેમ્પ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ?
જવાબ :– અમારા સમાજના તેમજ બીજા અન્ય સમાજના જરૂરિયાતમંદ લોકો લોહીની જરૂરિયાત વખતે અસમંજસમાં મુકાતા હોય છે આ એક લોકસેવાના હેતુથી આજનો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો.
પ્રશ્ન :- આ પ્રકારના કાર્યક્રમ પાછળનો આપનો મુખ્ય હેતુ શો હતો ?
જવાબ :- આ કાર્યનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોહી લોકો બ્લડ બેંકમાં જમા કરાવી જરૂરિયાત વખતે ગુજરાતના ગમે તે ખુણામાં જરૂરિયત મંદ વ્યક્તિને લોહી મળી રહે તેમજ સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વિકશે એ અમારો મુખ્ય હેતુ હતો.
પ્રશ્ન :- આ પ્રકારનો કેમ્પનું આયોજન આ અગાઉ આપના સંગઠન દ્વારા થયેલું ?
જવાબ :– “ના” આ અમારા બાવન વાંટા યુવા શક્તિ મંડળનો પ્રથમ રક્તદાન કેમ્પ હતો.
પ્રશ્ન : – આ મહારક્તદાન કેમ્પમાં સમાજના અન્ય લોકો તરફથી તમને કેવો સહયોગ મળ્યો?
જવાબ :- અમારા સમાજના યુવાનોએ ખૂબ જ મહેનત કરી તેમજ સમાજના અન્ય લોકોએ યુવાનોને ભોજન, મંડપ તેમજ અન્ય દાન આપી અમને ખૂબ જ મદદ કરી કાર્યક્રમને સફળ બનાવવા પુરો સહયોગ આપ્યો જેથી બનસકાંઠા જિલ્લામાં ક્યારેય ન થયો હોય એવા કેમ્પનું આયોજન કરી ૫૫૧ બોટલ રક્ત બ્લડ બેંકમાં જમા કરાવી શક્યા. યુવાનોના ઉત્સાહને જોતાં હજુ વધુ ૨૦૦ બોટલ રક્ત આપવા યુવાનો તૈયાર હતા પણ બ્લડ બેંકની કેપેસીટી પુરી થતાં બ્લડ બેંકને કાર્યક્ર્મ ૫૫૧ બોટલ સુધી સીમીત રાખ્યો. આ બાબત અમારા બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળ માટે ગૌરવ સમાન હતો.
પ્રશ્ન : – આ અગાઉ આપના યુવા સંગઠન દ્વારા કેવા કેવા પ્રકારના સમાજઉપયોગી કાર્યો થયા છે કે થઈ રહ્યા છે ?
જવાબ :– અમારા બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટેના કોચીંગ ક્લાસ, સમાજના કુરિવાજોના ઉન્મુલનના કાર્યક્રમ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, સ્ત્રી શિક્ષણ, જરૂરિતાયમંદ લોકોને સહાય તેમજ યુવાનો સાંસ્કૃતિ વારસા પ્રત્યે જાગૃત બને એ હેતુથી મહારાણા પ્રતાપ જયંતિ તેમજ શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરાય છે.
આજના આ મહારક્તદાન કેમ્પમાં સમાજના અનેક લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરતા યુવાનોએ સમગ્ર કાર્યક્રમને રેકોર્ડબ્રેક રક્તદાન કરીને દિપાવ્યો હતો.
શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળના તમામ રક્તદાતાઓને આ ભવ્ય સફળ ઐતિહાસીક રક્તદાન કેમ્પ કરી માનવતાનું ઉત્તમ કાર્ય કરવા બદલ www.vadgam.com સોશીયલ મીડિયા ગ્રુપ અભિનંદન પાઠવે છે.
Maro. Rajput samaj. Bale bale
Very good bhaio…
GOOG
VERY GOOD BHARATSINH SOLANKI NE