જનરલ માહિતી

નર્મદાનાં નીર કર્માવદ તળાવ તરફ ક્યારે વહેશે ? – નિતિન પટેલ

વડગામ પંથક માં ભૂગર્ભજળની સપાટી ઉત્તરોત્તર ઘટતી જાયછે આ સંદર્ભે વડગામ તાલુકાનાં જલોત્રા ગામ પાસે આવેલ વિશાળ કર્માવદ તળાવ વિસ્તારને નર્મદાનાં જળથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત નહેર વાટે છલકાઈ દેવાની વર્ષો જૂની તાલુકાની પ્રજાની માંગણી રહી છે અને આ અંગે વારંવાર તાલુકાના અનેક આગેવાનો દ્વારા સરકારશ્રી મા રજૂઆત પણ કરવામાં આવતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ માર્કેટયાર્ડનાં સ્થાપક સ્વ. લાલજી મામા એ સરકાર માં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરીને અથાક પ્રયત્નો આદર્યા હતા. કરમાવાદ તળાવ નર્મદાના જળ થી ભરવાનું લાલાજીમામાનું એક સ્વપન હતું અને એની પાછળનું કારણ એ હતું કે વડગામ તાલુકાના ભૂગર્ભજળની સપાટી જે વર્ષોવર્ષ ઘટતી જાય છે તેને અટકાવી ને કર્માવાદનું વિશાળ તળાવ નર્મદાજળ થી ભરવાથી વડગામ પંથકમાં આવેલી ભૂગર્ભ પાણીના જળની સપાટી અમુક વિસ્તારો સુધી તો વધારી શકાય જેને લઈને ખેતી માટે જરૂરી પાણી સિંચાઈ થકી હાંસલ થઇ શકે અને જરૂરી પાણી ઉપલબ્ધ થતા ખેડૂત આસમાની ખેતી ઉપર નિર્ભર ન રહેતા બારેમાસ ખેતીનાં વિવિધ પાકો લઈને વડગામ સ્થિત માર્કેટયાર્ડ થકી પોષણક્ષમ ભાવો મેળવી શકે. આ સમય દરમિયાન કમનશીબે લાલજીમામાનાં આકસ્મિક દેહાવસાનથી અને તાલુકાની ચાલતી પક્ષાપતીની રાજનીતિ તેમજ સરકારશ્રીમાં યોગ્ય અને મજબુત રજૂઆત તેમજ પકડનાં અભાવે આજે એ સ્વપ્ન દિવાસ્વપ્ન ભાસી રહ્યું છે.

તાજેતર માં વડગામ કિશાન મોરચાના પ્રમુખ શ્રી કાનજીભાઈ જી, ધુળિયા દ્વારા કર્માવાદ તળાવમાં પાણી ભરવાના મુદ્દાને આગળ ધપાવતા સરકારશ્રી સમક્ષ રૂબરૂ મુલાકાત તેમજ પત્રવ્યવહાર કરીને રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભે મળેલ અમુક સત્તાવાર (લેખિત ) તો અમુક બિનસત્તાવાર (મૌખિક) મળેલ જવાબ મુજબ સુજલામ સુફલામ યોજના અંતગર્ત નર્મદા મુખ્ય નહેર આધારિત ત્રણ પાઈપ લાઈન યોજનાનું આયોજન બનાસકાંઠા જીલ્લામાં છે જેની વિગતો નીચે મુજબ છે.

(૧) નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩૫૯.૫૦૦ કી.મી કસરા થી દાંતીવાડા જળાશય સુધીની પાઇપ લાઈન.
(૨) નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩૭૫.૧૦ કી.મી ચાંગા થી દાંતીવાડા જળાશય સુધીની પાઇપ લાઈન.
(૩) નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૪૨૭.૭૫૨ કી.મી થરાદ થી સીપુ જળાશય સુધીની પાઇપ લાઈન.

સરકારશ્રીના નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનોમાંથી તળાવો ભરવાની પ્રવર્તમાન નીતિ અનુસાર પાઇપલાઈન નાં સ્ક્વાર વાલ્વ થી ૨ કી.મી ની મર્યાદામાં આવતા તળાવો તાંત્રિક દ્રષ્ટિએ પાઇપલાઇન સાથે જોડી શકાય ભરી શકાય તેમ હોય તો જોડવામાં આવે છે . રજૂઆત હેઠળ નું મોજે જલોત્રા ખાતેનું કર્માવદ તળાવ બનાસકાંઠા નાં વડગામ તાલુકામાં આવેલ છે. આ તાલુકામાં હાલમાં નર્મદા મુખ્ય નહેર આધારીત કોઈ ઉદ્વવહન પાઇપલાઇન ન હોઈ / મૂળ આયોજન હેઠળ ની અન્ય કોઈ પાઇપલાઇન પણ નજીકમાં આવતી ન હોઈ કર્માવાદ તળાવમાં નર્મદાનું પાણી નાખવાની માંગણી ગ્રાહ્ય રાખી તેમ નથી જે વિદિત થવા વિનંતિ…..

અધિકક્ષ ઈજનેરશ્રીની કચેરી, ગાંધીનગર મારફત મળેલ ઉપરોક્ત સત્તાવાર માહિતી છે.

લ્યો કરો વાત હવે એ વાત તો સ્પષ્ટ થઇ ચૂકી કે પહેલા તો મુખ્ય નહેર તમારા વિસ્તાર માં હોવી જોઈએ, અને તેમાંથી નીકળતી પાઈપ લાઈન ના સ્ક્વાર વાલ્વથી ૨ કી.મી નાં અંતર માં કર્માવદ તાળાવ આવતું હોય તો અને તો જ કદાચ નર્મદા મૈયા કર્માવદ મુકામે પધારે…..હવે વિચારી શકાય કે હજુ કર્માવદ ને કેટલા વર્ષો નર્મદા મૈયાની પ્રતીક્ષા કરવી રહી.?

બીજી અધિકારીઓ મારફત ચિંતાજનક મૌખિક માહિતી એ જાણવા મળી કે વડગામતળની સપાટી ૧૬૧ મીટર ઊંચી છે જ્યારે જલોત્રાતળ ની ૧૯૧ મીટર ઊંચી છે (ભગવાન જાણે કે સમુદ્ર નાં તળથી આટલી ઊંચી છે કે મુખ્ય નર્મદા ડેમથી ? ) નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી મળવાથી બંધની ઊંચાઈ ૧૩૬ મીટર જઈ શકે છે. ગમે તે હોય સપાટી જો ખરેખર ઊંચી હોય તો પમ્પીંગ થી પાણી લાવવું પડે પણ ટેકનીકલી આ બધું શક્ય છે કે કેમ તે ટેકનીકલ નિષ્ણાતોનો વિષય છે.

નર્મદામૈયા તો વડગામ પધારવા ઉત્સુક હશે પણ રસ્તા ની અડચણો કોણ દૂર કરશે ? વહેણ ની દિશા કોણ બદલશે ? હાલ સુકાભઠ્ઠ વિસ્તારો માંથી કર્માવદ …કર્માવદના નારા સંભળાય છે અને એ પણ નક્કર આયોજન વગર માત્ર વાતોથી વાતો ચાલે છે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી મળી છે તો હવે નર્મદાના નીર નજીક માં જ છે ….ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ……ઘરમાં ધમાધમ !!!…આમેય આટલા વર્ષો રાહ જોઈ તો અમુક વર્ષો થોડા વધારે અનેક અધુરી આશાઓ અને અરમાનો સાથે કે અચ્છે દિન આને વાલે હે……..!!!!

****

બધા જ અંગત પરિવર્તનની શરૂઆત માન્યતામાં પરિવર્તન કરવાથી થાય છે. – એંન્થોની રોબિન્સ