ગઝલ – દશરથ પટેલ
[વડગામ તાલુકાના ચંગવાડા ગામના વતની દશરથ બી. પટેલ કે જેઓ ‘દિવાને પાલનપુરી’ ના ઉપનામે પણ ઓળખાય છે, દશરથ બી. પટેલ ગુજરાતી સાહિત્ય, ગઝલ, કાવ્ય, અને સંગીત નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે.પુસ્તકની વિગત કાવ્ય ના અંતમાં આપવામાં આવી છે.]
[૧] આગ મુકી ગયા
આંખમાં આગ મૂકી ગયા,
શ્વાસમાં બાગ મૂકી ગયા,
દર્દ તો આખરી બંદગી,
દર્દનો રાગ મૂકી ગયા.
કાગડા નાય તો શું થશે ?
દર્પણ દાગ મૂકી ગયા.
દિલમાં જેર જ તમે ભર્યું,
બેવફા નાગ મૂકી ગયા.
શું અર્પે દિલ તૂટેલું આપને,
દિલના ભાગ મૂકી ગયા.
આગમાં બાળતાં જ મુજને,
પ્રેમની માંગ મૂકી ગયા.
મૃગજળ આંખમાં રાખવાં,
બેવફા જાગ મૂકી ગયા.
[૨] બદલાઈ ગયું
મારા કલ્પના જગતમાંથી કોઈ ખોવાઈ ગયું,
આંખોમાં રહેતી પ્રકૃતિ માંથી કંઈક ચોરાઈ ગયું.
પાંદડા પર જીવી રહેલી ઇયળ આંખમાં વસી,
ચૂંટી લીધો પોતીકાએ હૈયું મારું પીંખાઈ ગયું.
ઢળી રહેલી સાંજને જોતા હસું આવતું હતું,
અંધારામાં જીવું છું અજવાળુ તો ઓલવાઈ ગયું.
ડુંગર પરથી સરકતો હતો પડછાયો ડુંગરનો,
મારું પ્રતિબિંબ તો ક્યારનું છુપાઈ ગયું.
માનવીની આદતો હું ક્યાં જાણતો હતો,
મારું નામ જગતની ઝડપમાં ચોરાઈ ગયું.
ફુલનો ખીલતો દેહ, શબનમનું બુંદ પીગળતું,
આંખનું અમીને આંસુ તો દર્દમાં ફેદાઈ ગયું.
‘દિવાને’ બનવા કોણ માંગતું હતું અહીં,
જગત, દર્દ, બાલમને પ્રીતમાં બદલાઈ ગયું.
[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]