Poem-Gazal

કાવ્ય રચના – લાલજીભાઈ હિરાભાઈ ચૌહાણ

[વડગામ તાલુકાના નાનોસણા ગામના વતની શ્રી લાલજીભાઈ હિરાભાઈ ચૌહાણ, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક કે  જેઓ વાર્તા, લેખો અને કાવ્યો નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે.પુસ્તકની વિગત કાવ્ય રચનાઓના અંતમાં આપવામાં આવી છે.]

 

[૧]  બહેન

 

રેશમી સાળુમાં ‘આંખીયું’ લાજ કાઢેલી,

બસની પાછલી સીટે નાર એક બેઠેલી,

 

અનિમેષ મને નીરખ્યા કરે,

શ્વાસ એના તો ધીમે ધીમે ભરે!

 

એ આંખમાં મારી આંખ મળી,

ને હૈયું મારું ગયું ઉમંગે ભરી!

 

સ્થિર નજરે હું પણ નિહાળું,

ભાવ એના કેવા છે તે ક્યમ જાણું?

 

બસ ઉભી રહીને ઊતર્યા સૌ મુસાફરો,

હું ઉતર્યો અધીરો થૈં, લઈ મારો બિસ્તરો.

 

હજીય મને જોઈ રહી જાણે લેવા છેલ્લો લ્હાવો!

પાસે તેની જઈ હસ્યો ને થોડુંક ગણગણ્યો !!

 

આંખમાં એની આંસુ દીઠાં,

ને પૂછવાનું ના રોકી શક્યો…?

 

“ભઈલા!” તારા જેવો જ મારે હતો ભઈલો!

કાળમુખી મોટરે તેને આગલી સીટમાં ભરખી લીધેલો!”

 

શું બોલું કે ભાવ ખોલું? નીચી મુંડીએ નીકળ્યો હાલી,

દૂર જઈ ડુસકુ ખાળ્યું યાદ આવી બહેન ‘વ્હાલી’ !!

 

 

[૨]  હું માનવ !

 

હું માનવ ! સર્વ જીવોમાં મહાન ?

મુક્ત રહી બીજાને કરું ગુલામ.

સૌને કહું મૂકો અપમાન !

આપણે સૌ છીએ સમાન !!

હું માનવ ! સર્વ જીવોમાં મહાન ?

 

હત્યા કરી બીજાને ઓઢાડું આળ,

સૌને કહું કર્તા તો ભગવાન!

આપણે સૌ એનાં સંતાન !!

હું માનવ! સર્વ જીવોમાં મહાન?

 

ન્યાય તોડું ને બાંધુ ન્યાયની પાળ,

સૌને કહું, છે કાયદાની જાળ !

આપણે સૌ છીએ અજ્ઞાન !!

હું માનવ ! સર્વ જીવોમાં મહાન?

 

કરું લૂંટ, ભ્રષ્ટાચાર ને દઉં દાન,

સૌને કહું ગરીબોના જાય છે જાન !

આપણે સૌ ગાઈએ આઝાદીના ગાન !!

હું માનવ ! સર્વ જીવોમાં મહાન ?

 

[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]

www.vadgam.com