Uncategorized

ગઝલ અને લેખ

(બાગી પાલનપુરી કે જેઓ મારા ચિત્રાસણી પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન મારા ગુરૂ હતા તેમની એક ગઝલ કે જે લોકશાહી અને બનાસ ન્યુઝ પેપર મા પ્રસિધ્ધ થઈ છે તેમાંથી સાભાર)
ગઝલ

“ કળ વળી નથી !! ”

દરિયાઈ સફરે ભાળ પિયુની મળી નથી,
વર્ષો વિત્યા પણ વિરહણીને કળ વળી નથી !

ઇતિહાસ છે ગવાહ ! થાતો વિજય પ્રેમનો,
પથ્થરદિલોની નાવ ક્યારેય તરી નથી !

દિલ જોડવાની વાત ! બાગીએ સુણી ઘણી,
સંતો ! સિવાય કોઈએ મહેનત કરી નથી !

છે સંતમતની અભય કિલ્લેબંધી અહી,
તૂફાન આવ્યા, કાંકરી એકે ખરી નથી !

સાચુ કહુ ? ઇશ્વરને કોઈની પડી નથી,
મતલબ વિનાની માંગણી “મનુષ્યે કરી નથી.!

વંચિત રહ્યો છે કેમ ? લ્યા આશીવાર્દથી ,
માબાપનીય કેમ ? આંતરડી ઠરી નથી !

દોસ્તી કરુ છુ ખાનદાની ખૂન જોઈને,
ઠોકરે દઉ ! શરમ જેવુ જેમા જરી નથી. !

આંખો મિંચીને ભાવુકો પૂજે છે પૂતળા,
ભટક્યા કરે છે , જાત પર શ્રધ્ધા પુરી નથી.!

સંસ્કૃતિ છે ઉદાર કેવી ? ધર્મ બાબતે,
આ ભારતે ક્યારેય બળજબરી કરી નથી.!

લ્હાવો કદી મળે નહી, આનંદ નો પુરો,
સ્વખુશી થી અમાનત જેણે સુપરત કરી નથી !

અફસોસ ! ભીડ પીંગલાઓને વધી પડી,
થૈને ફરે સનેડીયા,એ ભરથરી નથી !

ઓસડ વહેમનુય છે ! “વિશ્વાસ એક છે,
ઓસડ કરે શુ પાળતા “લોકો” ચરી નથી !

પોલાદ સમ અહી સડે છે , કાટ ખાઈને,
કમભાગ્ય એમના “મણી: પારસ જડી નથી !

એનુ જ જીવન વિતે છે હાય-દોષમા,
સ્વયં સિધ્ધ થઈને , “મૂડી” રળી નથી !

પ્રસન્ન પ્રભૂય એમને કૈ રીતે થાય ભૈ ,
જોઈ પરાયુ દુ:ખ…ને આંખો રડી નથી !

તલવાર, ઢાલ બેઉ “બાગીને મળી ગઈ ,
શૈતાનનીય એટલે દાળ ગળી નથી. !

– “બાગી” પાલનપુરી

——————————————————————————————————
એક કંડીશનિંગ થઇ ગયું છે કે પી.એચ.ડી હોય એ વિદ્વાન હોય જ. ભણેલો હોય એ જ્ઞાની હોય જ. આ કંડીશનિંગમાંથી મુક્ત થઈશું તો ડીગ્રી વગરના જ્ઞાનીઓનું આપણે સન્માન કરી શકીશું. અંદર ની કોઠાસૂઝ ધરાવનાર કવિ દુલા કાગ કહે છે :”આજનો માણસ સખી થાવા હાટુ દખી થાય છે.” હું માનું છું કે આ વિધાન કોઈ પણ કક્ષાના સ્કોલર ને વિચારવા પ્રેરે એવું છે.મેં તો કેટલા અભણ પી.એચ.ડી ઓ જોયા અભણ ડોકટરો જોયા , અભણ એન્જીનીયરો જોયા ,અભણ કોમ્પુટર નિષ્ણાત જોયા ,જેમને જીવન શું છે એની ખબર જ નથી. પોરબંદર થી રાજકોટ નાં રસ્તે ચૌટા નામનું ગામ આવે છે. પંચશીલ પદયાત્રા કરી તે વખતે એક નિશાળ માં અમારો ઉતારો હતો. આચાર્યે કહ્યું : “સાહેબ તમારે બપોર નાં ભોજન પછીનો આરામ લેવો હોય તો એક સરસ ઘર માં વ્યવસ્થા છે.” અમે ગયા તો એ ઘર નિશાળ નાં પટાવાળા નું ઘર હતું. પટાવાળા નું ઘર જોઇને અમે તો છક થઇ ગયા. જાજરૂ ચોખ્ખું , બાથરૂમ ચોખ્ખું , ઓટલો ચોખ્ખો , ડેલી ચોખ્ખી ! એ પટાવાળો અમને કહે “સાહેબ ચુનીલાલ મડિયાનાં બધા પુસ્તકો વાંચ્યા છે.” પછી કહે છે ગુજરાતી માં વિશ્વભરની જે જે ટૂંકી વાર્તાઓનો અનુવાદ થયો છે તે બધા જ અનુવાદો મેં વાંચ્યા છે. એમનું નામ વેજાભાઈ ,તમે જઈને મળી શકો છો. મારાથી વેજાભાઈ ને પૂછાઈ ગયું : “વેજાભાઈ તમે આટલું બધું વાંચો તે નિશાળ નાં આચાર્યો ને શિક્ષકો કેમ વાંચતા નથી ? વેજાભાઈ મને કહે સાહેબ લોકોને જીવન શું છે એનો જ ખ્યાલ નથી ! અભણ આચાર્યો , અભણ શિક્ષકો અને ભણેલો પટાવાળો ! આ કટાક્ષ ની રીતે નથી કહેતો , આ પટાવાળા નાં મેં દર્શન કર્યા છે અને એને વિશે લખ્યું છે.
– શ્રી ગુણવંત ભાઈ શાહ (અસ્મિતાપર્વ વાકધારા :૧ પુસ્તક માંથી સાભાર )