વડગામ તાલુકાની આજકાલ, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વડગામનો ઇતિહાસ, વ્યક્તિ-વિશેષ

વીર પસલી – લેખક : મુરાદખાન ચાવડા

ધાણધાર પંથકની વચાળે થઈ પતિતપાવની કુંવારકા નદી વહે છે. તેને મળતી અરજણ અને કાપણી નદીઓ. આ ત્રણેય નદીઓની આસપાસના ગામડાંને બાર પાદર, અથવા સેંભર પાદરના નામે ઓળખવામાં આવે છે. કુંવારકા, અરજણા અને કાંપણીના ત્રિવેણી સંગમના મુખ પાસે વસેલું ગામ સલેમકોટ. આ પ્રદેશ ઘણો ફળદ્રુપ છે. અને રળિયામણો છે. આ વિસ્તાર નદીનાળાંનો છે. ચોમાસામાં આ પ્રદેશમાં નદીનાળાં ઉભરાઈ જાય છે. આથી ચોમાસામાં ગામતરું કરવામાં ઘણી અડચણ રહેતી. ક્યારે અરવલ્લીની ડુંગરમાળના ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને ક્યા સમયે નદીનાળામાં પુરના લોઢ ચઢી આવે તે કહી શકાય નહિ. અને ગામતરે નીકળેલા વ્યક્તિએ રસ્તાના ગામડામાં ભરાઈ રહેવું પડે.

આવા એક ચોમાસાના ધોરી મહિના અષાઢમાં એક ઘોડેસ્વાર દિવસ આથમવાના ટાણે પોતાનો પંથ કાપી રહ્યો છે. મોંછુટ ઘોડો દોડાવતો સલેમકોટ ગામનું પાદર વળોટી ગયો અને આગળ વધ્યો. કુંવારકાના કાંઠે આવ્યો, અને આંખ ઉપર હાથનું નેજવું કરી કુંવારકાના પહોળા વિશાળ પટ તરફ નજર નોંધી- ભાળ્યું તો કુંવારકામાં ઘોડાપૂર ઊમટી પડ્યાં છે, જાણે કુંવારકામાં પાણીનો ઉભરો ન આવ્યો હોય તેમ ચારે કાંઠે વહી રહી છે. અડધા એક ગાઉના પહોળા પટમાં પૂરનાં પાણી ઘૂઘવાટ કરી રહ્યાં છે, ઘોડેસ્વારે કુંવારકાને ગાંડીતૂર ભાળીને વિચાર્યું કે “માળી, આ કુંવારકાય ખરી છે, કોઈને હવે ઉતરવાય નહિ દે, સામે પાર જવું ઈ તો લોઢાના ચણા ચાવવા બરાબર છે. દા’ડો મેર બેસવા થયો છે, હવે રાત કયાં ગદારવી? સલેમકોટમાં તો કોઈ ઓળખીતું પાળખીતુંયે નથી! તોયે હાલ્યને જીવડા! ગામમાં ગમે ત્યાં આજની રાત ગદારી લેશું હખે દખે!!’ એમ મનમાં વિચારી ઘોડાને લગામથી ઈશારો કર્યો. અને પાછો વાળી લીધો સલેમકોટ ગામમાં.

સલેમકોટ ગામમાં પેસતાં પછવાડે રબારીઓનો નેસડો આવેલ છે. ત્યાં ઘોડાને વાળ્યો. નેસડા આગળ ઘોડાને થોભાવ્યો. ત્યારે જગત માથે અંધારાની પછેડી ઓઢાડી રાતરાણી પધારી હતી. ઘોડો હણહણ્યો, ઘોડાની હણહણાટીથી નેસડાના એક કૂબામાંથી એક રબારણબાઈએ બહાર આવી ભાળ્યું, ઘોડેસ્વારને ભાળી રબારણબાઈએ મીઠો આવકાર દીધો.

“આવો ભાઈ! કે બાજુ રે’વું?

“બુન (બહેન) રહેવું તો ગાયકવાડીના ડભાડ ગામે, જતો હતો મારા ઘર ભણી. પણ કુંવારકા ઉતરવા દયે તોને?” ત્યારે આ અજાણ્યા ગામમાં રાત રોકાયા વિના છૂટકો નથી. રાત આસરો મળી રહે તેથી તો આ તમારા નેસડે આવ્યો છું મારે આજની રાત જ્યાં ત્યાં ગુજારવી છે!”

“આ કૂબો તમારો જ છે ભાઈ” એમ કહી કૂબામાંથી રબારવણબાઈએ ખાટલો બહાર કાઢી ઢાળ્યો અને તેના પર બકરાની જાટમાંથી વણેલો ભાકળ પાથર્યો. ઘોડેશ્વાર હેઠે ઉતર્યો ઘોડાને એક બાજુ ખીલે બાંધ્યો. તંગ ખોલી સંજ ઉતારી ખાટલા પર આવી બેઠો. ત્યાં નેસડાની વૃધ્ધ રબારણો અને નાનાં નાનાં ભુલકાં આવી, આ અપરિચિત મહેમાનને આવકારી ગયાં.
ભાઈ તમારું નામ શું સે?’
મારું નામ ગોરશાજી ભાટી સે ને બુન તમારું નામ?”
“મારું નામ ઝબુ સે.”
આમ આ ઘોડેસ્વાર ગોરશાજી ભાટી અને ઝબુ રબારણને પરિચય થયો.
ત્યારે ઝબુનો ઘરવાળો પોતાની ગાયોને દોહી ગાયોના વાડેથી આવી પહોંચ્યો.
ઝબુ રબારણે ગોરશાજી ભાટીને પોતાના મા જણ્યા વીરની જેમ હેતપ્રીતથી મહેમાનગતિ કરાવી. પોતાનાં ઓઢવાનાં પાથર્યા,

“ગોરશાજી ઝબુ રબારણની આગતાસ્વાગતા ભાળી ગદગદિત થઈ ગયા. અને મનમાં વિચારવા લાગ્યા કે ઝબુનું ઓશીંગણ હું જીવનભર નહીં ભૂલું, પણ એક રાત આશરો દીધો તેનો બદલો મારે ઝબુને કઈ રીતે વાળવો? ઝબુના ઘેર તેનાં બાળકોનો કોઈ અવસર આવે તો આ ઓસીંગણ વાળવું. આવો મનમાં નિર્ણય કર્યો છે. મારી સગી બહેનો છે. તેમાં આ એક ઝબુનો ઉમેરો કરવો, આ ધરમની બહેન પણ માડીજાઈ બહેન જેવી જ છે. અને ઝબુના ઘેર જ્યારે અવસર આવે ત્યારે આ આસરાની ઢાળ વાળવામાં પાછી પાની નથી કરવી.” આમ વિચારમાંને વિચારમાં ગૌરસાજી પડખાં ધસતા રહ્યા અને ક્યારે આંખ લાગી ગઈ તેનું ધ્યાન પણ ગોરશાજીને ન રહ્યું.

સૂરજ મા’રાજ બીજા દિ’નાં ચૈણ કાઢ્યાં, ગોરશાજી ઉઠ્યા ત્યારે ઝબુ રબારણે કળાસિયો ભરીને પાણી અને દાતણ હાજર કર્યું, ગોરશાજીએ દાતણ કર્યું. ત્યાં તો કઢેલ દૂધનો કરબો (ડુવો) હાજર કર્યો, ગોરસાજીએ કરબો પીધો. એકાદ રાશવા સૂરજ નારાયણ ઊંચાં ચઢવા હશે ત્યારે ગોરસાજીએ ઝબુ રબારણના કૂબેથી વિદાય લીધી.

“બૂન ઝબુ! કોઈ કામ હોય તો મને ભળાવજે, તારું ઓસીંગણ મારા માથે ચડયું સે, હું એ કેવીરીતે ભુલી શકું?તારા ઘેર સારો પ્રસંગ આવે ત્યારે આ ભાઈ ગોરસાજીને ન ભુલતી! મને જરૂરથી બોલાવજે, હું સાતેય કામ પડતાં મેલી તારા પ્રસંગને ઉજળાં કરવા આવીશ.”
“કેમ નઈ ભાઈ! જરૂરથી યાદ કરીશ. અને કોઈ કામ હશે તો ડભાડ ગામે વાવડ મોકલાવીશ.!!

ગૌરશાજીએ પોતાના ઘોડાની પીઠ પર સંજ ભીડયો અને ઝબુ રબારણથી વિદાય લઈ પોતાના ગામ ભણી ઘોડાને હંકાર્યો. ત્યારે ગોરસાજીની પીઠ તાકતી ઝબુ રબારણ ગોરસાજી આંખથી ઓઝલ થયા ત્યાં લગી ઊભી રહી.

આ બાજુ ઝબુ રબારણનો પતિ ગાયોનું ધણ લઈ વગડે ગયેલો. ધણ સલેમકોટના પાદરે આવ્યું. ત્યાં અચાનક ઘોડાઓના ડાબલાઓનો અવાજ ઝબુના પતિને કાને સંભળાણો, ઝબુનો પતિ કાંઈ સમજે ભાળે ત્યાં તો પંદરેક ઘોડેસ્વારોએ ધણને ઘેરી લીધું. અને ધણને વાળ્યું. ઝબુનો પતિ રોકવા જતાં ચાબુકના ફટકા પીઠ માથે પડયા, ત્યારે ઝબુનો પતિ ભાગ્યો. તેને ભાન થયું કે “આ તો લૂંટારાઓ છે.” ઝબુનો પતિ ગામ ભણી રાડયો નાખતો ભાગી ગયો. સલેમકોટમાં પવનવેગે વાત ફેલાણી કે લૂંટારુઓ લૂંટવા આવ્યા છે! ગામમાં રીડીયારોળ મચી ગઈ. ગામની પછવાડે વસતા રખીએ ઉંચા ટીંબા માથે ચઢી ઢોલ માથે ગેડીઓના ધાવ દીધા……રણીબોમ…..રણીબોમ રણીબૌમ ગામમાં સોપો પડી ગયો, શેઠ શાહુકારોના જીવ પડીકે બંધાણા અને ડરના માર્યા હોલડું બાજથી ફડફડે તેમ ફડફડવા લાગ્યા.
ગોરસાજી ભાટીએ આ તરઘાયા ઢોલ સાંભળ્યો. મનમાં વિચાર આવ્યો કે “સલેમકોટ ગામમાં કંઈક નવા જુની થઈ લાગે છે. કાં કોઈ બૈરાએ કુવામાં ઝીકલાવ્યું કાં ગામમાં ધાડુઆતો આવ્યા! જે હો તે પણ હાલ્યને પાછો ભાળી આવું.” ઘોડાને પાછો વાળ્યો, આવ્યા સલેમકોટના પાદરે. ત્યારે જાણવા મળ્યું કે “ઝબુ રબારણનું ગાયોનું ધણ લૂંટારા હાંકી પેપોળ ગામ તરફ ભાગી રહ્યા છે.”
“ઝબુનું ધણ, રાત આશરાના ઓસિંગણનો બદલો વાળવાનો સમો છે, મારા પરવર દિગારે, મારી બેનડીની ભીડ કરવાનો સમો દીધો છે, ત્યારે મારાથી શેં ચૂંકાય? મારી બુનનું ધણ પાછું લાવીને બેનડીને સોંપી બદલો વાળી આપું!” એમ મનમાં ધારીને ગોરસાજીએ ધોડાની લગામ ખેંચી.

લૂંટારાઓ ધણને તગડતા તગડતા છેક પેપોળ ગામના સીમાડા અડીને આવેલ ભાઠામાં આવી પહોંચ્યા છે. ખાખરિયા નામના ખેતરમાં ગોરસાજીએ લૂંટારાઓની પૂંઠ ઝાલી છે, ત્યારે લૂંટારાઓ તો ઘરના જ નીકળ્યા. ગોરસાજી ભાટીના સગા મામાનું ધાડું હતું. મામાને ભાળી ગોરસાજીએ વિનંતી કરી.

“મામા તમે ભારે ભૂંડી કરી. આ ગાયો તો મારી ધરમની બેન ઝબુ રબારણની છે. તો પાછી વાળો અને ઓપણ તેના ઘેર જઈ પુગતી કરી શિરામણ કરીને પોત પોતાના કામે જઈએ.’

“ભાણા પાછો વળ્ય, મામો જેના પર હાથ મારે છે, ઈ માલ હજમ કરે છે. કોઈ દિ’ પાછો દેતો નથી.”

“મામા, મારી બહેન એ તો તમારીયે ભાણી થઈ, કુંવાસીનો માલ આપણને તો સુવ્વરના રંગત બરાબર છે. કુંવાસીને તો કાપડું દેવું જોઈએકે પછી એનાં લૂગડાં ઉતારવા જોઈએ ? ભૂલથી તમે હાંક્યું છે. હવે તો જાણ થઈ છે. એ ભૂલ સુધારી દયો તો સારું!”
“ભાઈ ભાણા, ધરમની બહેનો તો જાળામાંથી ઊભી થાય, એમ આવી ધરમની બહેનોને સાચવા જાઈએ તો અમારાં છોકરાં ભૂખે મરે, એટલે છાના માના પરંભારો આ વગડામાંથી ડભાડ ભેગો થઈ જા, તને કોઈ ઠપકો નહિ દયે!..

“પણ મામા! એક ઘર તો ડાકણેય પાળે છે, તો પાછું વાળી દયો આ ધણ ને !!”

જો ભાણા, આ ધણ પાછું વાળવું હોય તો તારી ધરમની બેન પાસેથી અમોને કાંટા ભગામણ (વળતર) અપાવી દયે.. નહિતર અમો એમને એમ ગાયો પાછી કઈએ તો દુનિયામાં અમારી કાયરતાની વાત થાય.” મામો ખંધુ મલક્યો.
ગોરસાજીને લાગ્યું કે મામા આગળ સીધી આંગળીયે ઘી નહિ નીકળે, છેલ્લી વિનવણી કરી.

“મામા, આ ધણ તો હું નહી લઈ જવા દઉં, ને કાંટા ભગામણું પણ નહીં. અપાવું, પણ તમારા મનમાં પાછળથી ઔરતા ન આવે કે મામા ભાણેજ સામસામે બાખડયા, પસ્તાવા વારો ના આવે તેટલા માટે વીનવું છું, મારી વિનવણીનો અરથ એ ન કાઢતા કે હું કાયર છું, પણ મામા ભાણેજ વચ્ચે તલવારોનો તાસીરો ન થાય તે હારું આ ગોરસાજી છેલ્લે પાઘડી ઉતારીને કરગરે છે કે ગાયો પાછી વાળો !-

“પસ્તાયા, પસ્તાયા હવે, અને એવો તો તું શી ભીડમાં છે કે તારે પાઘડીઓ પાથરવી પડે.’ લૂંટારાઓ ધણને તગડી રહ્યા હતા. ગોરસાજીને લાગ્યુ કે હવે મામો કોઈપણ રીતે માને એમ નથી, ત્યારે ગોરસાજીએ ત્રાડ દીધી.

“મામા, આ છેલ્લીવાર કહું છું કે ધણ મૂકી દયો, નહીતર હવે રંગ નહીં ખાય, આ ધણ હાટું તો મારે મોત માગવું પડશે, હુંયે તમારી માજણી બહેનના થાનેલાનું દૂધ ધાવ્યો છું હું કોઈ કાયરના પેટનો નથી.”

“દૂર હટીજા, ભાણા! ધણ પાછું વાળવુ હોય તો થા માટી! ને સે તારામાં હિંમત? ધણને રોકી તો જો? પછી ખબરો પડશે!!”

ગોરસાજી ધખી ઉઠ્યા, આંખો લાલ થઈ. અને ડિલ માથે રોષ વ્યાપ્યો, સડપ કરતીક તલવાર તાણી. મામા ભાણેજે સામસામે માંડયું કમઠાણ.

ગોરસાજી તલવાર ફેરવવા લાગ્યા. ગોરસાજીની તલવારના ઝપટે જે ચઢયો તેનું ઢીમ ઢળી ગયું. છુટા છવાયા પણ હાકતા લૂંટારાઓએ એકદમ ચારે તરફથી ગોરસાજીને ઘેરી લીધા, ખચાખચ, ખચાખચ, સામસામા ઘા પડવા લાગ્યા, પોતપોતાની ચપળતાથી તલવારોના ઘા ચૂકવાતા હતા. ગોરસાજી જીવ પર આવ્યા, દેશનું ભાનુ ભુલીને સમરાંગણ ખેલ્યા. લડતાં લડતાં ધડ પરથી માથું ગૌરસાજીનું ઉતરી ગયું. અને ખાખરિયા નામના ખેતરમાં રણખેત આવ્યા. એક ધર્મની બહેનને વીરપસલીમાં પોતાનો દેહ ધર્યો. ત્યારે સુરજ મા’રાજ ગોરસાજીના મોતનું માતમ મનાવતા મનાવતા આથમણી દશે ધરતીના ખોળે જઈ બેઠા, નિસ્તેજ ઉતરેલે ચહેરે!
ધર્મની બહેનની સખાતે ચઢેલા ગોરસાજી ભાટીની મરદાઈની શાખ પુરતી મઝાર (કબર) સલેમકોટ અને પેપોળ (તા. વડગામ)ના સીમાસેઢે ખાખરિયા નામના ખેતરમાં આવેલી છે. પેપોળ અને સલેમકોટ ગામના લોકો ગોરસાજીની બાધા આખડી અને માનતાયું માને છે. લોકો પીર તરીકે પૂજે છે.
સાખી

“ભારત મહીં ભાટી તણા, પરચા છે સાચા પીરના,
ગુણ ગાઉ હું, શહેનશાહ સુધીર ના.
પેપોળ ગામે ગોરસાજી પીર.

સૂબા શરણે આવ્યો, સાચા પીર,
ભાટી કૂળના સાચા છો હીર,
પેપોળ ગામે ગોરસાજી પીર.

રાહે ખુદામાં જીદગી ગુજારી,
પીરની દુવાથી જિંદગી સજાવી,
જેના શરણે આવે છે, અમીર, પેપોળગામે

વતન પ્યારું ડભાડ ગામે,
રસ્તામાં તમો થયા’તા સામે,
ગાયોની વા’રે આવો મારા વીર,

મામાઓ વા’લા, મમતા મૂકી દો,
ખોટી ખુમારી તમે તજી દો,
ગાયોની વા’રે ચડયા મારા પીર — ટેક.

ઉઠો મુરાદખાન દરણા સજાવો,
ગોળા ગામથી પેપોળ આવો.
સાજા રાખુ તમારા શરીર – – ટેક.

“ભીખુ, જેને ભરુસો ભારી,
દાતાના દવારે ચાલો નર ને નારી
તમો થાવો ન દિલગીર,
પેપોળ ગામે ગોરસાજી પીર.

(પુસ્તક પાલનપુરના પાળિયા પુસ્તક માંથી સાભાર. લેખક-મુરાદખાન ચાવડા)