વડગામ તાલુકાની આજકાલ, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વડગામનો ઇતિહાસ, વ્યક્તિ-વિશેષ

વીર શહીદ સિંધી સોરમખાનજી : – મલિક શાહભાઈ દસાડા

વીર શહીદ સિંધી સોરમખાનજી
ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા

– મલિક શાહભાઈ દસાડા

વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ ગયા બાદ ઉપરથી વહેતું પાણી ધોધ રૂપે પડીને પાણીયારી(મુમનવાસ)ને અનેરું સૌંદર્ય બક્ષે છે. ત્યાંથી જોયણ નામની નદી દ્વારા એની આગળની મંઝિલ તરફ પ્રયાણ કરે છે. નાનકડી બાળકી ખેલતી કૂદતી રમતે ચડી હોય એમ આ જોયણ નદી કિલકીલાટ કરતી મુમનવાસની પડખે થતી શેરપુરા તરફ વહી જાય છે. આવાજ અંબાજી તરફના ડુંગરાઓમાંથી વહેતું પાણી દાંતાના નાગેલ ગામ પાસે અર્જૂના તથા કુંવારકા નામની નદીઓ ભેગું ભળીને સરસ્વતી નામ મેળવી મોરિયા ગામની પૂર્વે થઈને વહે છે. આ સરસ્વતી નદી વિષે મે તથા મારા મિત્ર નીતિન પટેલે(વડગામ) પણ ખૂબ લખ્યું છે.

આ જલોત્રા ગામ મારા સ્વર્ગસ્થ મિત્ર..મુ.શ્રી ઘેમરભાઈ ભટોળની જન્મભૂમિ હોઈ આ ભૂમિને હું નતમસ્તક વંદન કરું છું.. વરસાદની મોસમમાં પડતો પાણિયારી ખાતેનો આ કુદરતી ધોધ ધાણધારની ભોમકાને યુરોપની કક્ષામાં મૂકે. કોઈપણ હિલસ્ટેશન કે ચેરાપુંજી ન જઈ શકતા મિત્રો પાણિયારી જઈ આવે એટલે ભાઈભાઈ. એ પાણીયારીના ભોંખરા ઉપર ગુરુ ધૂંધલીનાથ નામની ધાર્મિક જગ્યા. આ જગ્યા એટલે વરવધુના છેડાછેડી છોડવાની આસ્થાનું પ્રતીક. આવી રમણીય જગ્યાઓ પર કુદરતની આમેય મહેર વરસતી હોય એવી આ ધાણધાર ધરા પર નર પટાધાર નીપજે એમાં કશી નવાઈ ન હોય.

એવી આ જોયણ નદીની પશ્ચિમે આવેલા મુમનવાસ ગામ ખાતે એક જૈન શ્રેષ્ઠીના ભવ્ય કચેરી જેવા મકાનમાં પાલનપુર રાજ્ય તરફથી ‘દાણી’ તેમજ કેટલીયે ઉપાધિઓ સાથે નિયુક્તિ પામેલા ચિત્રાસણીના યુવાન સિંધી જાગીરદાર સોરમખાને રહેણાંક કરેલું.

અહીં પાલનપુર રાજ્ય દ્વારા અધિકારીની નિમણૂક કરવાના અનેક કારણો હતા. નવાબસાહેબશ્રી તાલેમોહંમદ ખાનજી પોતે શિકારના શોખીન હતા. તેઓના મહેમાનોમાં મોટા રાજા રજવાડાઓ.. બ્રિટિશ અધિકારીઓ(લોર્ડ માઉન્ટબેટન) પણ આવતા. અહીં ગીચ જંગલોમાં મોટી માત્રામાં શિકાર મળી રહેતો. અહીંના ડુંગરાઓ વચ્ચે કુદરતી રીતે રચાયેલું ભવ્ય સરોવરો હતું. જેનું ટોપરા જેવું મીઠું પાણી જમીનોને ફળદ્રુપ બનાવતું હતું. અહીં કુદરતે મન મુકીને સૌંદર્ય વેરેલું. મુમનવાસ સરહદનું ગામ હોઈ અહીં પાલનપુર રાજ્યની ચોકી હતી. તેમજ મોરિયા ગામ દાંતા. સુદાસણા. ગાયકવાડ તથા પાલનપુર રાજ્યની સીમાઓ પર વસેલું હોઈ આજુબાજુના દશદશ ગામોની વચ્ચેનું સમૃધ્ધ વ્યાપારી કેન્દ્ર ગણાતું. અહીં સિધ્ધપુરના વ્હોરા સમજ, જૈન વણીક સમાજ, મુમન સમાજ તથા ચૌધરી સમાજના વ્યાપારીઓ વ્યાપાર અર્થે આવતા જતા હોઈ અહીંના જૈન વ્યાપારીઓની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાયેલી. એટલેજ આ ગામને કોઈની બુરી નજર લાગી હતી. અહીંની માલમતા પર લૂંટારુઓની નજર પડવી પણ સ્વાભાવિક હતી.

પાલનપુર નવાબસાહેબના રાજ્યનું અંગ્રેજો દ્વારા ચલાવાતું પોલીસતંત્ર ખુબજ સશક્ત તેમજ ચબરાક હતું. લગભગ મારધાડ.. ચોરીલૂંટના બનાવો નહિવત બનતા. પાલનપુર રાજ્ય અમલી બન્યું ત્યારથી દરેક ગામોમાં એકેક ઘર જાગીરદારોના નિયુક્ત કરાયેલા.. જે સીધા પ્રજાના સંપર્કમાં રહેતા. સપ્તાહમાં એકવાર તમામ ગામોના જાગીરદારો નવાબસાહેબને સલામ કરવા તથા પોતાના વિસ્તારમાં સબસલામત છે ની ખબર આપવા પાલનપુર જતા. જેથી દર અઠવાડિયે નવાબસાહેબને આખા રાજ્યનો અહેવાલ મળી જતો.

એવા એક જેઠ (સુદ બીજના વી.સં. ૧૯૭૯)મહિનાનાં ઉકળાટ ભર્યા દિવસે મોરિયા મુકામેથી પાલનપુર જવા જાગીરદારશ્રી ઈબ્રાહીમખાનજીએ ઘોડો પલાણ્યો. જેઓને થોડો પલ્લો પડવા દઈને બનાજીની ટુકડીએ મોરિયા ગામ માથે ધાડ પાડવાના ઈરાદે હુમલો કર્યો. સાથે મીરખાનને લીધેલો જે પોતાની જાતમાં ચોક્કસ નહોતો કે મોરિયા ગામ પાલનપુર રાજ્યનું હતું કે (દાંતા સુદાસણા) ગાયકવાડનું? મીરખાનના સાથ વગર મોરિયા લૂંટવું શક્ય નહોતું. જેથી બનાજી તરફથી મીરખાનને સતત એવું ઠસાવવામાં આવેલું કે “મોરિયા ગામ ગાયકવાડી ગામ છે અને તમારું બહારવટું તેઓની સામે છે એટલે તમારે તો અમોને ખાસ મદદ કરવી જોઈએ”

મોરિયા ગામની ભૌગોલિક સ્થિતિથી અંજાણ એવા આ મીરખાન બહારવટિયાની આ ભૂલ એના જીવનની આખરી ભૂલ સાબિત થવાની હતી. બસ એટલેજ કદાચ એ બનાજીની વાતોમાં આવી ગયો. ઘોડાઓની હાવળો તથા ડાબલાઓની ટાપોથી મોરિયા ગામની શેરીઓ ધ્રુજી ઉઠી. જૈન વણીકો તથા અન્ય વ્યાપારીઓએ ભાગીને ઈબ્રાહીમખાનજીના દરબારી માઢમાં આશ્રય લીધો. મીરખાનને ખબર પડી એટલે પોતે સીધો બાપુની માઢ તરફ આગળ વધ્યો. વ્યાપારીઓને શરણે આવવા કહ્યું. સામે ઝરૂખામાંથી સખુબા’માએ મીરખાનને પડકાર્યો કે “ખબરદાર.. મીરખાન તું અમારો આશ્રિત છે તથા વચને બંધાયેલો છે કે પાલનપુર રાજ્યના કોઈ ગામને નિશાન નહીં બનાવે.. આ ગામ અમારી જાગીરનું તથા પાલનપુર રાજ્યના તાબાનું છે.. તારે પસ્તાવાનો વારો આવશે!”
“હા મા મારાથી ભૂલ થઈ છે. પણ હવે પાછા વળવું શક્ય નથી” એ પોતે જાણતો હતો કે મારો વાળ્યો બનાજી પણ હવે પાછો વળવાનો નહોતો. ત્યારબાદ મીરખાન એટલું બોલ્યો કે “આપના તમામ હથિયારો અમોને સોંપી દ્યો. હું આપના તમામ આશ્રિતોને અભયવચન આપું છું” સખુબા’માએ પોતાની પાસે એક બંદૂક રાખીને બાકીની તમામ બંદૂકો લૂંટારુઓના હવાલે કરી દીધી.

ત્યારબાદ એ લૂંટારુઓએ મોરિયા ગામને લૂંટયું. દુકાનો. મકાનો. પેઢીઓ. ગોદામો.. તમામ લૂંટીને તેઓ કોઈપણ પ્રકારના પ્રતિકાર વગર મોરિયા ગામેથી નીકળી ગયા. મીરખાન બેચેન હતો. જ્યારે બનાજી ખૂબ ખુશ હતો કારણ કે અઢળક માલ હાથ લાગ્યો હતો.

મોરિયાની માઢનો એક સિપાહી મુમનવાસ તરફ ભાગતો આ ખબર આપવા નીકળી ગયેલો. પોતે પહોંચ્યો ત્યારે એનો હાંફ હેઠો બેસતો નહોતો. સોરમખાન હાથમાં પાણીનો લોટો લઈને એની પીઠ પસારતા વ્હાલપુર્વક કહી રહ્યા હતા કે “શાંત થા ભાઈ.. હળવે હળવે થોડું પાણી પી લે!” સિપાહી માથું ધુણાવતો ‘ના’ ની સંજ્ઞા બતાવતો તૃટક અવાજે બોલતો હતો કે “મોરિયા.. મોરિયા.. મોરિયા!”…
“હાં ખમા મારા ભાઈ પ્રથમ તું શાંત થા પછી જે કહેવું હોય એ કહે!”
“મોરિયા લૂંટયું… બનાજી.. બનાજી.. મિરખાં..!”
સોરમખાને પોતે આગંતુકને પાણી પીવડાવ્યું.. એનો હાંફ હેઠો બેઠો. સ્વસ્થ થતા પોતે બોલ્યો કે “બનાજીએ મોરિયા લૂંટયું.. મિરખાં એની સાથે હતો”
“પણ મિરખાં તો આપણો આશ્રિત છે.. એને વેર ગાયકવાડ સાથે છે.. સરિયદની પોલીસ સાથે છે.. એ વચને બંધાયો છે કે પાલનપુર રાજ્યના તાબાના કોઈપણ ગામને કે કોઈપણ વ્યક્તિને નુકશાન નહીં પહોંચાડે!”
“મેં મારી નજરે એને સખુબા’મા જોડે ચડભડતો જોયો”
“સખુબા’મા જોડે? તો ઈબ્રાહીમખાં ક્યાં હતા? તેઓ પાસે તો બંદૂકો છે!..
“બાપુ પાલનપુર હાજરી આપવા ગયા છે.. બાતમીદારે પાક્કી બાતમી આપી હશે. બરાબર ઈબ્રાહીમખાં બાપુના નીકળી ગયાના કલાક બાદ લૂંટારા ગામ પર ત્રાટક્યા”. અને સખુબા’માએ મને મુમનવાસ આપ સુધી ખબર પહોંચાડવા મોકલ્યો.

બનાજી તો લૂંટારો હતો. એનું કામ ચોરી ડેકોયટીનું હતું. પરંતુ મીરખાન મર્દ માણસ હતો. બહારવટિયો હતો. વળી પાલનપુરના નવાબી રાજ્યનો આશ્રિત હતો. એણે સોગંધ ખાધેલા કે નવાબી રાજ્યમાં ક્યાંય નુકશાન નહીં કરે કે નવાબસાહેબની વિરુધ્ધમાં હોય તે કોઈની મદદ નહીં કરે. તો આજે કેમ આમ થયું.. વધારે વિચારવાનો સમય નહોતો. સોરમખાન સિપાહીને આરામ કરવાનું કહી ઓરડામાં ગયા. પોતાની Muzzle loader (ઉપર ભરવાની બંદૂક..ખાંડણીયું) બંદૂક તથા દારૂગોળો ભરેલું ચામડાનું પાકીટ લઈને બહાર આવી ઘોડાર તરફ ગયા. જ્યાં એ જૈનના બે ઘોડા બાંધેલા. જેમાંની એક જાતવાન સિંધી ઘોડીએ અસવારની ચાલ પારખી. સોરમખાનની ચાલમાં જોમ જુસ્સો તથા તેજી ભાળીને ઘોડીએ હાવળ કરી. સોરમખાન સીધા એ ઘોડી તરફ ગયા. સરક છોડીને ફક્ત ચોકડું ચડાવીને સવાર થઈ ગયા. ડલી માંડવાનો કે તંગ ખેંચવાનો સમય નહોતો. મજલ પણ લાંબી નહોતી. જોઈતાનો ભોંખરો પડખે રાખીને જોયણ નદીનો વ્હેણ વળોટો એટલે આ રહ્યું મોરિયા.

વીસી ન વટેલા એ સિંધી જાગીરદારના મુખમાં કડવાશ વ્યાપી ગઈ. મિરખાન મળે તો સૌપ્રથમ એને ગોળીએ દેવો. લૂંટારાઓ પાછળ રાજ્યનો એકાદ બ્રિટિશ કમાન્ડર લાગી જશે પછી તો તેઓને શોધીને ગોળીએ દેશે કાં ફાંસીએ લટકાવશે. પાલનપુર રાજ્યની આવા તત્વોમાં જબરી ધાક હતી અને કેટલાયને ગોળીઓ ધરબી દીધેલી. ઘોડી એ ઉબડખાબડ જંગલો વટાવતી એકધારી એની મજલ કાપી રહી હતી. સોરમખાનને મોડું ન પડાય એની ચિંતા હતી. ઈબ્રાહીમખાનની ગેરહાજરીમાં સખુબા’મા બોલાવે એટલે વ્હારે જવું પોતાની ફરજ ગણાય. બીજું એ પણ હતું કે નજીકમાં કોઈ બંદૂકધારી હોય તો તે એક્લો હુંજ છું. આવનારા ભવિષ્યમાં નવાબસાહેબ તરફથી કોઈ સવાલ થાય તો મારી પાસે ઉત્તર પણ હોવો જોઈએ ને! જોયણ નદી ઓળંગીને સોરમખાન આગળ વધ્યા. લૂંટારુઓ નીકળી તો નહીં ગયા હોય ને! મોડું તો નહીં પડાયું હોય ને! એ વિચારે ખિન્ન સોરમખાન ઘોડીને દોડાવ્યે જતા હતા.

જોઈતા ગામના ભોંખરા(ડુંગર)ની કાખમાંથી સોરમખાન નીકળ્યા ત્યારે ઘોડી એના અસલ રંગમાં હતી. આજે આ યુવાન જાગીરદાર બહારવટિયાઓને ભરી પીવા માંગતો હતો. ગાયકવાડની ફોજુંને હંફાવતો મીરખાન તથા ધાડપાડુ બનાજીની ટોળકીના ઘાતકી પણાથી પોતે બરાબર પરિચીત હતો. પોતાની ફરજમાં પણ નહોતું આવતું તેમ છતાંય પોતે મોરિયા જઈ રહ્યો હતો. ત્યાં જવાથી પરિણામ શું આવશે એપણ સ્પષ્ટ હતું. પણ પરવાહ કોને હતી. મારા જીવતેજીવ હું બનાજીને કે મીરખાનને પાલનપુર રાજ્યનું ફદીયું પણ લૂંટીને લઈ જવા નહીં દઉં.. ભલે પછી મારા પ્રાણ એ મોરિયાની ધરતી માથે ફગાવી દેવા પડે. આવા મક્કમ નિર્ધાર સાથે એક જગ્યાએ ઉભા રહી પોતાની પાસેની બંદૂક ખભેથી ઉતારીને એની નળીમાં દારૂગોળો ભરીને ફોડવા સજ્જ કરી.

હુઝુર નામદાર નવાબસાહેબે પોતાના હસ્તે એક રંગારંગ સમારંભમાં આ બંદૂક પોતાને એનાયત કરી ત્યારે નવાબસાહેબ એટલું બોલેલા કે “આ હથિયાર રાજ્યની પ્રજાના રક્ષણ માટે છે સોરમખાન.. ધ્યાન રહે કે એનો વપરાશ પ્રજાની ભલાઈ માટે કરવાનો છે!”
એ સમયે પાલનપુર રાજ્યના મહેલમાં સમારંભમાં પોતાની ખુશીનો પાર નહોતો. સીનો ચોડો થઈ ગયો હતો. ત્યારથી લઈને આજદિન સુધી આ બંદૂક ફક્ત સાફસફાઈ કરવા પૂરતી ખીંટીએથી ઉતારાઈ હતી.

સોરમખાને બંદૂક સામે નજર માંડી ત્યારે પોતાના રૂંવાડા ખડા થઈ ગયા. આંખોના ખૂણા રતાશ પકડી ગયા..બંદૂકના કુંદા પર પકડ સખત થઈ ગઈ. આવા સમયે જાનફેશાની કેમ આસાન લાગતી હશે? પોતાની ફરજ માટે.. કે રાજ્યની પ્રજાના રક્ષણ કાજે..મરવું મારવું કેમ ગૌણ બની જતું હશે?.. ઘોડીને એડી મારી.. જેવી ઘોડી ચાલી કે પોતે સ્વગત બોલ્યા કે.. “ના હુઝુર આ બંદૂક હું પ્રજાના રક્ષણ સિવાય બીજે ક્યાંય નહીં વાપરું..!” આજે આ બંદૂક વાપરવાનો સમય આવી ગયો હતો. મોરિયા સુનું હતું. ઈબ્રાહીમખાનજી હાજર નહોતા. જેનો લૂંટારાઓએ ગેરલાભ ઉઠાવ્યો હતો.. પરંતુ હું જીવું છું. આજે બતાવી દેવું છે કે પાલનપુર રાજ્યનો એક અદનો જાગીરદાર પણ ગમે એવા ચમરબંદને એકલે હાથે ભારે પડવાનું સામર્થ્ય ધરાવતો હતો. ઉબડખાબડ રસ્તો હતો. એક જગ્યાએ નાનકડી ટેકરી ચડ્યા કે લૂંટારુઓની ટોળકી નજરે ચડી. સોરમખાનની ઘોડી હાવળ કરતી આગળના બંન્ને પગે હવામાં ઉભી થઈ ગઈ.. સૌ લૂંટારુઓ સ્તબ્ધ થઈ ગયા. સોરમખાને ત્રાડ નાખી કે “એક ડગલું પણ આગળ ન ભરતા..!” આ કોઈની સગી નહીં થાય.. કહેતા બંદૂક એ લૂંટારુંઓની ટોળકી સામે તાકી.

“સોરમખાન મૂર્ખામી ના કરો.. તમે જુઓતો ખરા.. સામે કેટલી બંદૂકો તકાએલી છે? એક બંદૂકથી કેવી રીતે મુકાબલો કરશો?. તમોને સામસામેની લડાઈનો અનુભવ પણ નથી. હજુ તમારી મૂછનો દોરો પણ પૂરો ફૂટ્યો નથી. તમારી સામે આખી જિંદગી પડી છે.. માટે હટી જાવ.. અમારો મારગ મૂકી દ્યો!”..
“મીરખાન આ માલ પાલનપુર રાજ્યનો છે. જે મારા જીવતેજીવ હું તમોને સાથે નઈ લઈ જવા દઉં.. અને આશરો આપનાર સાથે આવી ગદ્દારી!?”
“સોરમખાન એમાં મારી ભૂલ થઈ છે. મને કહેવામાં આવેલું કે મોરિયા ગામ ગાયકવાડી છે.. પણ હવે મોડું થઈ ગયું છે!”

આ વાતો સાંભળીને બનાજી અકળાયો એને લાગ્યું કે સોરમખાન વાતોએ વળગાડીને તેઓની મદદે રાજ્યની કુમક આવી પહોંચે એટલો સમય કાઢવા માંગે છે.. બનાજી સોરમખાન સામે બંદૂક તાકીને બોલ્યો કે “સોરમખાન છેલ્લી તક આપું છું. મારગમાંથી હટી જાવ!” સોરમખાને જોયું કે બનાજીએ લૂંટેલો માલ અઢળક માત્રામાં હતો જે અહીં મૂકીને કદાપી નહીં જાય.. જેથી તેઓએ બંદૂક લૂંટારા સામે તાકીને ભડાકો કરી દીધો અને બનાજીનો ભાઈ ઘોડા પરથી ગડથોલીયું ખાઈને ભોંય પટકાયો. એ ભેગી લૂંટારુઓની બંદૂકો આગ ઓકવા લાગી.

ધાણીફૂટ બંદૂકોના ભડાકાઓએ એ ટેકરીઓ ગજવી નાખી. ધુમાડો. ઘોડાઓની ખરીઓથી ઉડેલી ધૂળ અને અવાજના પડઘા શાંત થયા ત્યારે સૌએ જોયું કે સોરમખાનની છાતીમાંથી રક્તની છોળો ઉઠતી હતી. લૂંટારું ટોળકીને બનાજીએ નીકળી જવા ઈશારો કરીને પોતે પણ ટેકરીઓમાં ગાયબ થઈ ગયો. એવા સમયે આકાશ વાદળોથી ઢંકાઈને સોરમખાનની શહાદત પર કાળું ડિબાંગ થઈ ગયું. પુરી મૂછો ફૂટી ન હોય એવો એક ચિત્રાસણીનો જાગીરદાર યુવાન વીર સિંધી સોરમખાનજી મોરિયાના સીમાડે શહીદ થઈને પોઢી ગયો. જેણે તમામ ગોળીઓ પોતાના સીનાપર ઝીલીને હસતા મુખે શહાદતનો જામ પીધો હતો. થોડીજ વારમાં મોરિયાનું આકાશ ધીમીધારે રડી ઉઠ્યું.

ગામમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. શહીદ સોરમખાનજીની શહાદત પર અશ્રુઓ વહાવવા લાગ્યા. એ તારીખ હતી આજથી સો વર્ષ અગાઉની ૧૬ મી જૂન ૧૯૨૩ ત્યારબાદ વીર શહીદ સોરમખાનજીની મૈયત પાલનપુર લઈ જવામાં આવી જ્યાં નવાબસાહેબશ્રી તાલેમોહંમદ ખાનજીએ પોતે શહીદને સ્વહસ્તે દફન કર્યા. એક સપ્તાહમાં વીર શહીદ સોરમખાનજીના ભાઈશ્રી નથેખાનજીને માસિક પેંશન આપવાનું નક્કી થઈ ગયું તથા એડીસી તરીકેની નિમણુંકનો પત્ર એનાયત કરીને બહુમાન કરાયું. જેનું આજેપણ વીર શહીદ સોરમખાનજીના હાલના ચિત્રાસણી ખાતેના વંશજો..એવા શ્રી સોરમખાનજી તથા ભીખનખાનજી ગૌરવ અનુભવે છે.

હુકમો છૂટ્યા.. બીજાજ દિવસે મીરખાનની ભાળ મળી.. જેસોરના જંગલો તરફ ભાગી રહેલા મીરખાનને ડુંગર પર ચડતા અંગ્રેજ અફસરે પડકાર્યો. બંદૂક નીચે ફેંકીને મીરખાન ઉપર તરફ ભાગ્યો. તળેટીમાં ઉભેલા અંગ્રેજ અફસરે એને પગમાં ગોળી મારીને ઘાયલ કરીને શરણે થવા મજબૂર કર્યો. એ ગાયકવાડનો ગુન્હેગાર હતો જેથી એને વડોદરે મોકલી અપાયો. જ્યાં એને ફાંસી આપી દેવાઈ. મોરિયા લૂંટનું કાવતરું ઘડનાર બનાજી પણ પકડાઈ જતાં એની સામે સોરમખાનજીની હત્યાનો ખટલો પાલનપુરમાં ચાલ્યો. બનાજી દોષિત પુરવાર થતાં એને પાલનપુર ખાતે ફાંસી અપાઈ. આમ બન્ને ગુન્હેગારોનો અંત થયો.

સો વર્ષેય મોરિયાની પ્રજા આ ગણ ના ભૂલી અને વીર શહીદ સિંધી સોરમખાનની શતાબ્દી મહોત્સવ ઉજવીને જાગીરદારો પ્રત્યે પોતાનું સમર્પણ જાહેર કર્યું.

કથાબીજ – પરવેઝખાન ભીખનખાન બિહારી
કથાવસ્તુ – અલીભાઈ બિહારી (મોરિયા) તથા
વીર શહીદ સોરમખાનજીના વંશજશ્રી ભીખનખાનજી સિંધી(ચિત્રાસણી)

તા.ક.
મોરિયાના દક્ષિણે વીર શહિદ નાથુસિંહ વાઘેલાનું મંદિર છે.. કહેવાય છે કે ગાયોના રક્ષણ કાજે શહીદ થયેલા છે. જેઓની વિગતો એકઠી કરવા રૂબરૂ મોરિયા જઈ ગ્રામજનોને મળીને પછી મારી શૈલીમાં ઐતિહાસિક લેખ લખીશ.

લેખક – સંકલન – મલિક શાહભાઈ દસાડા દરબાર ગઢ.
+919825072770