ગામડાઓ નો પરિચય

પીલુચા….

સરસ્વતી નદીના કિનારે આવેલ પીલુચા ગામ વડગામ તાલુકો અસ્તિત્વમાં આવે તે પહેલા મેતા તાલુકામાં આવેલ હતું.પાલણપુર સ્ટેટની વસ્તી ગણત્રી મુજબ ઇ.સ.૧૯૦૧માં ગામની માત્ર ૮૨૭ની જનસંખ્યા હતી.ઈ.સ. ૨૦૦૧ની વસ્તી ગણત્રીમુજબ ૨,૨૧૩ની જનસંખ્યા હતી.

સ્ટેટ વખતે આ ગામમાં ચૌધરી પટેલ,જૈન,મોદી,બ્રાહ્મણ,સુથાર અને નાયક સમાજના લોકોના કેટલાક ઘરો હતા.તેમાં મૂળ રાળીસણા ગામના (તા.વિસનગર) ગાયકવાડ સ્ટેટના એક વહીવટદારનું ખૂન કરીને ત્રણ ભાઈઓ મેવાડ-કાઠીયાવાડ તરફ નાસી ગયેલા.વખત જતાં પીલુચા આવતા પહેલાં પાલણપુર સ્ટેટને અડીને આવેલ ઉપેરા ગામમાં ત્રણેય ભાઈઓ ભરાયા હતા.જ્યાં રાજ્પુતોનો ચોકી પહેરો હતો.ત્યાં મસલત કરી હકીકત દબાવી દઈ પાલણપુર સ્ટેટમાં પીલુચા લાવી સલામતીની ખાત્રી મળતાં વસી ગયેલા આ ત્રણ ભાઈઓ મૂળ મોચી જ્ઞાતિ ના હતા.

એ સમયે વીજળીની મોટરો કે બોર હતા નહી.કુવાના પાણી પાંચ સાત હાથથી વધારે ઉંડા હતા નહી.વળી,મોચી જ્ઞાતિ ના ત્રણેય ભાઈઓ ચામડાના કોસ બનાવવામાં,ચામડાની પખાલો બનાવવામાં માસ્ટર હતા.એટલે તેમનો કસબ તેમની રોજી રોટીની સાથે પાલણપુર સ્ટેટના ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ બની જવા પામેલ.ત્યારબાદ ત્રણેય ભાઈઓના કુટુંબીજનોએ ચામડાની મજબુત મોજડીઓ બનાવવાનું શરૂ કરતાં વડગામ મહાલમાં તેની માંગ વધતા તેઓ વધારે પગભર થયા હતા.આજે તેમનો આ વ્યવસાય આધુનિક યુગમાં નામશેષ થઈ ગયેલ છે.

આજે આ ગામમાં દરેક કોમના લોકો હળીમળીને રહે છે.થલવાડા-મેગાળ,નગરી-નગાણા,ગીડાસણ વગેરે ગામોમાંથી હાઈસ્કૂલમાં ભણવા આવતા વિધ્યાર્થીઓને ,ચોમાસામાં નદીના પૂર આવે ત્યારે તેમને સલામતીપૂર્વક રાખી રહેવા-જમવાની સગવડ પણ દલપતભાઈ કક્કલભાઈ શાહ પોતે કરી આપતા હતા.કક્કલભાઈ હાથીભાઈ એટલે  કે.એચ.હાઈસ્કૂલ પિલુચા ગામને આ જૈન શ્રેષ્ઠીઓની જ ભેટ છે.હાલ આર.ડી. નામથી પ્રખ્યાત રમેશભાઈ તેનો સુંદર વહીવટ કરી રહ્યા છે.આર.ડી.સુરત ખાતે પણ અગ્રણી સેવાભાવી સંસ્થાઓમાં સક્રિય સેવાઓ આપે છે.

એકંદરે ખેતી ઉપર નભતું આ ગામ હવે શિક્ષિત બનવાથી વેપાર-ધંધા અને સરકારી નોકરીઓમાં રોટી રોજગાર તરફ વળ્યા છે અને સુખી તથા સાધન સંપન્ન બન્યા છે.

[પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત પુસ્તક:-“વડગામ ગાઈડ”,પ્રકાશક-નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન,મોટા માળીવાસ,ફોફળીયા કૂવા,પાલનપુર-૩૮૫૦૦૧, મૂલ્ય- રૂ.૨૫૦/- મો.૯૮૭૯૫ ૮૯૪૯૨ ]