ગામડાઓ નો પરિચય

પોલીસ મેડલ મેળવવામાં અગ્રેસર વણસોલ ગામ…..

www.vadgam.com

[પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વડગામ મહાલનું વણસોલ ગામ રાષ્ટ્રકક્ષાના પોલીસ મેડલ મેળવવામાં અગ્રેસર બની ગયું છે.નાનકડા વણસોલ ગામને અહીંના જવાંમર્દ પોલીસકર્મીઓએ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું છે એ સિધ્ધિ નાનીસૂની નથી.

પ્રતિવર્ષ ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ જવાનોની વિરતા અને તેમની જવામર્દી માટે પોલીસ મેડલ એનાયત થતાં હોય છે.વણસોલ ગામના પોલીસકર્મીઓએ ૧ ગેલેન્ટ્રી (વિરતા ચક્ર) અને વિશિષ્ટ તથા પ્રશંસનીય કામગીરીના ૩ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી વડગામ મહાલને ગૌરવ બક્ષ્યું છે.જેમાં પ્રથમ છે મર્હુમ પોલીસ ઇન્સ્પેક્ટર અશરફખાન એ. ચૌહાણ,જેમણે ભરૂચ જિલ્લાના હળદર ગામે આઠ લુંટારા સામે એકલે હાથે બાથ ભીડી મહિલા મુસાફરોની બસને લૂંટતી બચાવી હતી.આ વિરતાના કાર્યની નોંધ લઈ તેમને સને ૧૯૯૬માં વિરતાચક્ર  એવોર્ડ રાષ્ટ્રપતિ ધ્વારા એનાયત થયો હતો.

આ ઉપરાંત પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા આ ગામના વતની એવા અશરફખાન જી.ઘાસુરાને પણ તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સને ૨૦૦૬માં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો.જ્યારે ૧૫મી ઓગષ્ટ ૨૦૦૮ના રોજ પણ આજ ગામના બિસ્મિલ્લાહખાન ટી.ચૌહાણ કે જેઓ જિલ્લા પોલીસ અધિકક્ષની કચેરીમાં ફરજ બજાવે છે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો.

આમ, એક જ ગામમાં,એક જ કુટુંબમાં ૧ ગેલેન્ટ્રી અને ત્રણ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર વડગામ મહાલનું વણસોલ ગામ ગુજરાતનું એકમાત્ર ગામ બેનેલ છે.પોતાની માતૃભૂમિ  ને વીરતા થકી ગૌરવ બક્ષનાર ત્રણેય જવાંમર્દ પોલીસકર્મીઓને સો..સો..સલામ…

[પુસ્તક:-“વડગામ ગાઈડ”,પ્રકાશક-નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન,મોટા માળીવાસ,ફોફળીયા કૂવા,પાલનપુર-૩૮૫૦૦૧, મૂલ્ય- રૂ.૨૫૦/- મો.૯૮૭૯૫ ૮૯૪૯૨ ]