ગામડાઓ નો પરિચય

હાલો ભેરુ ગામડે…

(સાહિત્ય ક્ષેત્રે વડગામ તાલુકાનું ગૌરવ એટલે વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને ખ્યાતનામ સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી. તેઓશ્રી દ્વારા  લિખિત ‘સુગંધનો સ્વાદ’ પુસ્તકમાંથી આ લેખ લખવામાં આવ્યો છે.જેમાં તેઓશ્રી એ પોતાના વતન મગરવાડામાં જે તે સમયે ગામના રોજિંદા લોકજીવન વિશે પોતાના અનુભવો નું વર્ણન કર્યું છે.વર્ષો પહેલા આપણા વડિલો કેવી પરિસ્થિતિમાં જીવન ગુજારતા હતા અને કેવી કેવી મુશ્કેલીઓ તેમજ પ્રજામાં કેવી અજ્ઞાનતા હતી તેનો સુંદર ખ્યાલ આ લેખના માધ્યમ દ્વારા મા.શ્રી કિશોરસિંહ સોલંકી એ આપ્યો છે.પોતાના ગામ ના લોકજીવન વિશે અથવા તો ગામ ના ઇતિહાસ વિશે તેઓશ્રી એ જે વર્ણન કર્યુ છે તેવી સ્થિતિ લગભગ તાલુકાના દરેક ગામની તે વખતે હતી.હાલ તો જો કે પરિસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે,પરતું આજની નવી પેઢીને પોતાના ગામના  જે તે સમય ના લોકજીવનની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે તે હેતુ થી આ લેખ અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે.જે વાંચકો ૪૦ વર્ષથી ઉપરની વયના છે તેમને તો આ લેખ વાંચ્યા પછી બધો જ ઇતિહાસ પોતાની નજર સામે જીવંત થઈ ઉઠશે અને જે વાંચકો યુવાન છે તેઓ પોતાના વડીલોને કે પોતાના પિતાશ્રીઓને કોઈ શબ્દ ન સમજાય તો પૂછીને જાણી શકે છે કે ખરેખર એક સમય આવો પણ હતો જ્યાંથી પોતાના પિતાશ્રી એ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને ઘણી અગવડો વચ્ચે રસ્તો કરીને પોતાના આજના જીવનનું નિર્માણ કર્યુ છે.મારી તો વિનંતી છે કે આ લેખ કુટુંબના દરેક સભ્ય સાથે બેસી વાંચે તો કદાચ વડિલો તરફથી જે તે સમયના ગ્રામ્યજીવનની ઘણી બિજી બાબતો પણ જાણવા મળશે.’હાલો ભેરુ ગામડે’ લેખને www.vadgam.com ઉપર લખવાની પરવાનગી આપવા બદલ શ્રી કિશોરસિંહ સોલંકી સાહેબનો આભાર.તો આવો માણીયે આ રસપ્રદ લેખ.-નિતિન પટેલ)

જનમભોમકા !

અય મેરે પ્યારે વતન…

જે તન સાથે જોડાયેલું છે તે વતન…

આમલી જોઈને મોંમા પાણી છૂટે એમ ‘વતન’ શબ્દ સાંભળતાની સાથે જ રોમાંચ થાય છે હવે.

મારું વતન હિન્દુસ્તાનની પશ્વિમ દિશે,પાકિસ્તાનના પડખામાં,લખવું હોય તો લખી શકાય: મુ.પો.મગરવાડા,તા.વડગામ,જિ.બનાસકાંઠા.આનર્ત નામે ઊત્તર ગુજરાત.ગુજરાતની પહેલી પાટનગરી.પાટણના પડોશીઓ.સિધ્ધરાજ જયસિંહના વંશજ ! પેઢીઓ પૂર્વે ચુંવાળ ઇલાકાના કાલરી (ગામ)થી નીકળીને લીધેલો વતનવટો ! કુંવારકા નામે સરસ્વતી નદીને ઓળંગીને નીકળી ગયેલા આગળ.જે જમાનામાં રાજનાં ઢોરને ખાવા માટે ઘાસની ગંજીઓ ખડકાતી,ઢોરના વાડા બંધાતા,આવા વાડાઓમાંનું એક તે મગરવાડા.ઢોરના આધારે માણસને માણસને આધારે ઢોર ! જીવ્યા કરવાનું ઢસરડા કરતાં કરતાં,એ ગામ, એ ગામ જ્યાં મણિભદ્રવીર સ્વયં પ્રગટ્યા,એ ભૂમિ, મારું વતન, અમે એનાં સંતાન !

રબારીઓના વાડા,વાડામાં પૂરેલી ગાયો.રાત્રે રબારીને સ્વપ્ન આવ્યું કે ધરતી ફાટશે ,અવાજ થશે,તારી ગાયો ભડકશે,પણ તું હોંકારો ના દેતો. અવાજ થયો. ગાયો ભડકી. હોંકારો દેવાઈ ગયો. ધરતીમાંથી સ્વયં પ્રગટતા મણિભદ્રવીરની પિંડીઓ પૂજાય છે મગરવાડામાં, ધડ આગલોડમાં અને મસ્તક    ઊજ્જૈનમાં ! એવું જે ગામ તે મારું માદરે વતન…

જ્યારે પાલનપુરના નવાબ શેરમહંમદખાનના શાહજાદા તાલેમહંમદખાનના શાસન નો અંત આવ્યો, દેશની આઝાદીના પગરણ થયાં, પ્રજામાં નવી ચેતના જાગવાની ક્ષણો વખતે આપણું આગમન થયેલું આ ગામની ધૂળમાં !

ન કોઈ નદી કે સરોવર ! સુકાતી ધરતીમાં ભંઠિયા ભાગતા જીવ્યા કરવાનું સૌએ. પાણી ઊતરી ગયા ઊંડા ને વરસાદ તો ક્યારનોય વસૂકાવા લાગ્યો.તેથી ઊનાળામાં તો ઘૂઘવતું રણ આવી જાય છે. અમારા આંગણા સુધી.

ચારેબાજુ ઊંચા ઊંચા થૂંબડા.ઊંડા ઊંડા આંઘાં.વરસાદનાં બે ટીપાં પડ્યાં નથી કે પી જાય રેતાળ ધરતી,વધારે હોય તો વહી જાય દૂર ! અમે જેવા હતા એવા ! નપાણિયા ! અકડા-અકડીના વખતવાળા.

આખા ગામનો આધાર ખેતી. કેવી ખેતી ? કાળી મજૂરી કરે આખો પરિવાર તોય બાર માસના દાણા ન થાય. ન કોઈ ઊધ્યોગ કે ધંધા. લોકો વખાના માર્યા, જીવવા તરફડિયા મારે. ધરતી ખોદીને પાણી શોધે. મશીન,લાઈટ કે પાતાળકૂવાઓની ત્યારે અણસમજ ! દેશની આઝાદીનો રેલો પહોંચ્યો નહોતો

ત્યાં-સુધી ! વલખાં મારતાને વલવલતાં ગામડાં. એવું મારું માદરે વતન ! ‘આવ્યો વ્હાલે વતન હરખે દીર્ઘ કૈં વર્ષ વીત્યે’ ઊભા ઊભા જોવાનું, બળવાનું !

ખોબા જેવડું ગામ, ખાડા-ટેકરાવાળું. ગામની વચ્ચે વાણિયાના ઘર. બાજુમાં ચબૂતરો. વહેલી સવારે સૂપડામાં જુવાર લઈને પહોંચી જઈએ ચબૂતરે. પંખીઓ રાહ જોતા હોય અમારી. દાણા વેરાઈ જાય. કબૂતરોનો મહેરામણ છલકાય ચરવા માટે ! બીજા પણ ખરાં ! પંખીઓનો મેળો ભરાય ! એ જોવાની મજા આવે અમને.

એ ગામની ઊંચામાં ઊંચી  જગા ત્રિભેટો. ગામમાં નાટકમંડળી આવે. એ ત્રિભેટે ડેરા-તંબૂ તાણે. ફાનસ અને મશાલોના અજવાળે નાટક કે ભવાઈ ભજવાય:

વ્હાલી વીજળી રે (૨)

તને આવતાં કેમ લાગી વાર ?

અમે ફરવા રે (૨)

અમે ફરવા ગયાં’તાં બજાર.

ક્યારેક રામાયણ પણ ભજવાય. રામ-સીતાનો વનવાસ લોકોની આંખોમાં આંસુ લાવે ! હકડેઠ લોકો જામે નાટક જોવા.એ જ મોટામાં મોટું મનોરંજન  ! અબાલ-વૃદ્ધ  આવી જાય ત્રિભેટે !

મોટા ભાગના ઘર ઇંટ-માટીનાં. ઘર માથે કુંભારના ચાકડે ચડેલા અને નીંભાડે શેકેલાં નળિયાં. મોભારો,પાટડા અને વળીઓ વાસની ! ક્યાંક પતરાવાળા જોવા મળે ઘર. ઘરમાં લીંપણ,આંકળીઓ પાડેલી હોય,આંગણા લીંપાય.ઘર આગળ લીમડા હોય. ના હોય તો ચોમાસામાં રોપાય. ગામડામાં

ઊનાળાનું એરકન્ડિશન હોય લીમડાની શીતલ છાયા ! કેટલાંક થેપેલી ભીંતોના ઘર. એમાં ટમટમતા દીવડા દેખાય રાતે. સંધ્યાના સમયે વગડાના ઊંચા ટીંબેથી જોઈએતો ધુમાડો ધીમે ધીમે વિસ્તરતો હોય ગામ ઊપર ! ધુમાડાના રસ્તા દેખાય. લિસોટા પણ ! ઢોરોના ધણ વળતાં હોય પાછાં તો ધૂળની ડમરીઓ ચડે. આખું ગામ ઢંકાઈ જાય ઊડતી ધૂળથી !

આખો મલક ધૂળિયો, અમે ધુળિયા મલકનાં માનવી. જીવન અમારું ધૂળ-ઢેફાંને માટી ! ધૂળ અમારો શ્વાસ ને ધૂળ અમારો વાસ ! અમારા લોહીનો રંગ પણ ધૂળિયો ! જન્મવું ધૂળમાં ને મરવું ધૂળમાં. જિના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં ?

ગામમાં પહેલી ગામઠી અને પછી ધીમે ધીમે, એક એક કરતાં માંડ સાત ધોરણ સુધીની શાળા ! તાલુકાનું મથક ત્રણ-ચાર ગાઊ  દૂર. આગળ ભણવું હોય તો થેલો ખભે કરીને જવું પડે તાલુકે.પણ એવા ભણનારા કેટલાં ? જીવવાના હાયવલૂરા હોય પછી ભણવાની તો વાત જ ક્યાં કરવાની ?

ગામમાં વાણિયાના ઘર ઘણાં. ધંધો એમનો ધીરધારનો. દરેકને પોતાના ઘરાકો. ખેડૂત તો દર સિઝને પકવે, જે થાય તે શેઠના ઘેર જાય. પૈસાનો વ્યહવાર નહીંવત. જરૂર પડે તો અડધી રાતે શેઠનું બારણું ખખડાવે. શેઠ ધીરે પણ ખરા. વ્યાજનું વ્યાજ. ચક્રવ્રુધિ વ્યાજે આખો વ્યહવાર ચાલે. આખું ગામ વાણિયાઓનું દેવાદાર ! શેઠ તો ગામધણી. સૌને ચૂસે. કોઈ ખેડૂતનું છોકરું ભણવા જાય તો એના બાપાને આડુંઅવળું ભરમાવીને ભણવાનું છોડાવી દે, એવી તો એમની અગમબુદ્ધિ  ! ખેડૂતોની અજ્ઞાનતા  ઉપર જ ચાલે એમનો વેપલો. બાપા કહેતા દેવા ભરી ભરીને હાથ કાણા થઈ ગયા; તોય ખૂટ્યાં નૈ દેવાં ! ખડકાતા જાય દેવાના ડુંગરા. એક પેઢી બીજી પેઢીને આપતી જાય વારસો દેવાનો. આશ્વાસન લેવાય; નસીબદારને દેવું હોય, ભિખારીને નહી !

ન કોઈ સારા રસ્તા. ખાડા ટેકરાવાળી શેરીઓ, નાની નાની નવોળીઓ-પગ ખૂંપી જાય એવી રેત. સુથારે ઘડેલા લાકડાના પૈડાવાળા ગાંડા. ચાર ચાર બળદ જોડાય તો ચાલે ગાડાં. બે બળદ તો બેસી જાય બેહકે. મોટર કે જીપ કેવી હોય એ તો દિવાસ્વપ્ન ! ભૂલથીય કોઈક ટ્રક રેતાળ રસ્તે, હાંફતી હાંફતી નીકળે તો લોકો ખેતરના કામ પડતાં મૂકીને જોવા જાય દોડતાં. આંખે નેજવાં કરીને, બૈરાં સાડીનો છેડો આઘો કરીને,બળદ વિના ચાલતા વાહનને જોઈ રહે.ટાબરિયાં ઊંધા પડીને એના ચીલાને સૂંઘવા માંડે.

તાલુકે કે શહેર-નજીકમાં નજીકમાં નજીકનું શહેર પાલનપુર- જવાનું ચાલતા ચાલતા.ચાલતા રહેવાનો વ્યહવાર.જીવન ચલતી કા નામ, ચલતે રહો દિન-રાત. પગના પૈડાને દેહનું વાહન. ગામની આથમણે.પાંચ છ ગાઊ  છેટે છાપી રેલવેસ્ટેશન. કોઈને સિધ્ધપુર કે ઊંઝા   જવું હોય તો ચાલતા જવાનું છાપી ! બે ત્રણ મણનો કોથળો કે દોઢ મણની ગાંસડી મૂકી માથે નીકળી પડવાનું રેતનો દરિયો તરતા તરતા !

આગગાડી અમારા માટે મોટું આશ્વર્ય ! જેણે જોઈ હોય,એ વાત કરે તો અમે જોઈ રહેતા એનો ચહેરો ! માતાજીનો રથ ધક..ધક.. ધ્રુજાવી નાખે એવો ! ઓહોહો ! ચેટલી લાંબી ? કાળા માથાનો માનવી ચ્યાં પહોંચી જ્યોં સે ? પાંચ-હાત સેતરવા લાંબી,આસ્યંનું મટકું મારતાં તો નેંકળી જાય ચ્યાંય..અમે જ્યારે સૌ પ્રથમ જોઈ ગાડી ત્યારે અમારા અચંબાનો પાર રહ્યો નહોતો.એના ધક ધક ની સાથે અમારા ધબકારા પણ વધી ગયા હતાં. ! સૌ પ્રથમ ગાડીમાં બેસવાનો રોમાંચ તો હજી પણ અમારી નસોમાં તોફાન મચાવી રહ્યો છે !

મોડી રાતે કે વહેલી સવારે ,લોકો જ્યારે ઊંઘમાં પડખાં ઘસતા હોય.ત્યારે ઘેર ઘેરથી ઘંટીઓનો આવાજ આવે ‘ઘમ્મર ઘમ્મર ગાય રે, ઘરડા માની ઘંટૂડી, ઝીણો લોટ દળાય રે,ઘરડા માની ઘંટૂડી.’ ઝીણો લોટ નહીં આયખાં દળાય. આંતરડા અમળાય, પથરોને ઘસે, તણખા ઝરે તોય દળાય દળણાં. ખૂટી જાય કોઠીએ જાર. ‘હવે નથી જીવવા આરો’ ના નિસાસા નંખાય.

વલોણાં વલોવાય. ગોળીમાં ગોરસ નાખીને, રવૈઓ મુકાય, સામસામે નેતરાં તણાય. માખણ છલકાય. બધું જ કરવાનું જાતે. ઢસરડા કરતાં કરતાં જીવ્યા કરવાનું કાયમ માટે. કાબે અર્જુન લૂંટિયો, વો હી ધનુષ્ય વો હી બાણ.

ગામ-ગાંદરે ગામકૂવો,કૂવાના થાળે વહેલી સવારે કે સાંજે બૈરા ટોળે વળે ! બેડાંને વરેડું. હસી મજાક- મશ્કરી-આંખોના ઊલાળા ને સાડીના છેડાની લાજ. લડાઈ-ટંટા, ગાળાગાળી કરતાં કરતાં ભરે પાણી. માટલા ઊપર માટલું. બેડાની ગાગર મુકાય માથે. વાતોના વડાં કરતાં વળે પાછાં. અમે પણ એકાદ ઘૂણિયો કે ઘડો લઈને પહોંચી જતાં કૂવે. ભરી લાવતા પાણી. ઘરમાં મદદરૂપ થયાનો આનંદ રેલાતો માથા ઊપરથી ! ગામકૂવો તો ગામનું નાક કહેવાય. ઊનાળામાં પાણીની થાય રામાયણ. વલખાં.કોઈના કૂવે કે ખેતરેથી લાવવું પડે પાણી. એવી તો હાલાકી ને હાડમારી. હાડમારીઓથી ઘડાયેલું છે અમારું જીવતર!

વ્રુક્ષ-વનરાજિ ખરાં પણ ખાસ નહીં. ઝાડવામાં બાવળ,બોરડીના જાળાં,લીમડાને આંબા,ક્યાંક રાયણો,કણજી ને વગદા ખરા. પણ મન ભરીને પી શકાય એવો વગડો નહીં. ઊનાળામાં આંખ ઠરે એવી લીલોતરી ક્યાં ? વૃક્ષોનાં નાગાંપૂગાં ડાળાં દાંતિયાં કરતાં હોય,માથું ઢંકાય એટલો છાંયડો પણ ના મળે.પશુ-પંખી તરફડે તડકે.તડકો વરસતો હોય મુશળધાર ! માથે એકાદ લૂગડાનો ટુકડો નાખીને હાલ્યા જવાનું હળવે હળવે અડવાણા પગે. નાના વહોળા હોય તે શિયાળાની શરૂઆતમાં જ સુકાઈ જાય.વાયરા વાયા કરે હૂહરા ! ધૂળની ડમરીઓ ઊડ્યા કરે આખો દન. ‘મલક મારો ધૂળિયા મનેખનો મેળો.’

આખું ગામ જીવે અંધશ્રદ્ધાઓના આધારે.દવા દાકતરનો અભાવ.ભૂત-ભૂવાનો ઊપાડ.કોઈ માંદું થાય તો દોરા-ધાગા,ધૂપ-દીપ કરવાના,સબ દુ:ખોં કી એક દવા મા’રાજ ! ખેતરમાં પાક નિષ્ફળ ગયો હોય,કોઈ ઢોર માંદું પડ્યું હોય,ઘરમાં કંઈ તકલીફ ઊભી થઈ હોય તો બોલાવો મા’રાજને ! જોવરાવે ટીપણું ! ધન-મકરને કુંભ,બિલાડી પાડે બૂમ. આંગળીના વેઢે વેઢે મંગળ કે શનિની દશા છે. લોઢાના કે સોનાના પાયે પનોતી બેઠી છે. કરાય શું ? તો ઊપાય તૈયાર જ હોય: જપ-તપ,દાન-દક્ષિણા. મા’રાજને ઘી-કેળા. અથવા બોલાવે ભૂત ભૂવાને. માળા જોવડાવે ,દાણા નંખાવે. મા આલજે વધાઈ. મા આલજે વેંણ. મા થાજે આજેવાંન, હાકોટા-છાકોટા, ડેકલા ડહડહે, અંધારી રાત ઊંઘમાંથી જાગીને કાન માંડે,એવા તો ઊજાગરા !

કોઈના સુખ-દુ;ખના પ્રસંગોમાં આખું ગામ ભાગીદાર ! કોઈના ઘરમાં મોતનો પ્રસંગ ઊભો થાય,તો ગામમાં અને ખેતરે ખેતરે ઓળગણો ફરીને કહી આવે કે, ‘ફલાણા મરી જ્યા સં તો લાકડે આવજો.’ જે કોઈ આવે તે ખાલી હાથે નહીં. નાનું-મોટું લાકડું ઊપાડતો જ આવે. ઘરવાળાંને ખબર પણ ન હોય અને મસાણે લાકડાં ભેગાં થઈ ગયાં હોય. દરેક ઘેરથી એકાદ જણ તો લાકડે આવે જ. ભોંય-ડાઘના દિવસે ગામમાં કોઈ સારું કે શુભ કામ ના થાય. એવી તો ભાવના !

ગામના આનંદના પ્રસંગો પણ અદ્દભુત.આસો સુદ પાંચમનો મેળો ભરાય.આખું ગામ હલકારે ચડે.દૂર દૂરથી લોકો આવે.મહેરામણ ઊભરાય ગામમાં-ગોંદરે. મેળો તો મણિભદ્રવીરનો ! રાતે તરગાળા ભવાઈ કરે. રંગલો ને રંગલી રમઝટ જમાવે:

હિન્દવાણી તું ભલે પિછાણી,

ભર પાની કા બેડા

ભર્યા કૂવામાં તેતર બોલે,

રામ-સીતા કા જોડા

તા..તા,,થૈ..થૈ..ઈ..

ટેસડો પડી જાય આ જોવાનો. કોઈએ બાધા રાખી હોય તો જાતર રમાડે, એ રીતે ગાડું ચાલે તરગાળાઓનું.

ગોર્યોમાં આખા ગામની છોડીઓ ભેગી થઈને ગોંદરે ગાણાની રમઝટ જમાવે. આખું ગામ જોવા ચડે એમને. ગોકુળાષ્ટમી હોય કે કોઈના ત્યાં લગ્નનો પ્રસંગ. એક નો પ્રસંગ તે સૌનો ગણાય. બધાય જાય એ પ્રસંગમાં. આખા ગામને નોતરું હોય એવી તો ભાવના, વ્યહવાર પણ અંદરોઅંદર એકબીજાને મદદરૂપ થવાનો. પૈસા કરતાં વસ્તુનો વ્યહવાર અને પાળીએ જે આવે તે લઈ જાય.કોઈને ના જ નહીં.

ગામડાંઓ ઊપર મા’રાજો અને દેવદેવીઓનું જબરું વર્ચસ્વ. ગામની ઊગમણી દિશે હનુમાનજી,આથમણી દિશે મણિભદ્રવીર,ઓતરાતી દિશે ભગવાન શંકર અને દખણાદિ ચામુંડા બેઠાં બેઠાં આખા ગામનું રક્ષણ કરે.જો ગામમાં ઢોર કે માણસોમાં રોગચાળો ફાટી નીકળે તો આખું ગામ વાજતેગાજતે ગાંદરું બાંધે, વિધિ થાય,દર્ભનું દોરડું બનાવી ,એમાં નાની માટલીઓ,શ્રીફળ અને રોગને એકવાર ચીજવસ્તુઓ મૂકીને ગામના ઝાંપે  લટકાવવામાં આવે, જેથી બહારથી આવતો રોગચાળો પાછો પડી જાય,એવી તો માન્યતા !

ગામમાં બધી જ કોમના. એમાં રાજપૂતો અને આજણાં પટેલોની વસ્તી વધારે. પણ ગામમાં વર્ચસ્વ તો વાણિયા-બ્રાહ્મણોનું. આ બે કોમમાં ભણેલા મળે, કોઈને કંઈ લખાવવાનું હોય ,વંચાવવું હોય,લગ્નની કંકોતરી કે મરણનું કાળોતરું હોય તો એમને જ બોલાવવા પડે. ગામમાં નિશાળ ખરી પણ ખેડૂતોનાં છોકરા ભણવા જ ન જાય. અમારે ભણાઈને શ્યું કરવાનું સે ? સેતરના શેઢે ઊભું વોય તોય કોમ લાગે. એવી તો ટૂંકી દ્રષ્ટિવાળા.

ચોમાસામાં આખું ગામ ચારેબાજુથી પાણીમાં ઘેરાઈ જાય. નજીકમાં ગામતળાવ છલોછલ ભરાય,પછી ફાટે,જળબંબાકાર થઈ જાય બધું. મણિયા આંઘામાં ઘોડાપૂર આવે, એટલો વખત પાણીનો અહેસાસ થાય. શિયાળામાં જુવારનો પોંખ ખાવાની મજા આવે. આ બધાની સાથે સાથે ગામમાં લડાઈ-ઝગડા પણ ચાલે. કોઈનું ઢોર કોઈના ખેતરમાં ગયું હોય, કોઈનું છોકરું કોઈના છોકરાને મારી આવ્યું હોય. અથવા કોઈ લેવડદેવડ હોય તો બાવા બાથોડે આવે.લાકડીઓ કે ધારિંયા ઊછળે.ગંદી ગાળોનો વરસાદ વરસે. મોટા ને નાનાં,સ્ત્રી ને પુરુષ બધાં જ સામસામે તૂટી પડે.તો ક્યાંક ક્યાંક ભજનના સૂર પણ સંભળાય.ગામમાં ભગત પણ ખરા. કોઈનું વાયક આવે તો બધા ભેગા પણ થઈ જાય. એકતારો,કરતાલ,કાંસીજોડ,મંજીરા, સિતારને નરઘાં.ચાલે આખી રાત. વચ્ચે વચ્ચે ચા-પાણી,પ્રસાદ કે નાસ્તો વાહ ભૈ વાહ ! બોલાતું રહે, ભજન ગવાતાં રહે.

કોઈ ઘરમાં કે બહાર કેરોસીન ના બાળે.દીવા તો માત્ર દિવેલના.કેરોસીન અશુભ ગણાય,એટલી જ માન્યતા,જો કોઈના ત્યાં ફાનસ હોય તોય કેરોસીન તો ઘરની બહાર જ રખાય.એક નિરાશ્રિતે ગામમાં સૌ પ્રથમ  ડીઝલની ઘંટી નાંખેલી. મશીનરી હશે જૂના જમાનાની. એક દિવસ ચાલે ને બે દિવસ બંધ. ગામમાં વાતો થાય: જોયું ગાંદરાવાળો જીવતો જાગતો બેઠો સે. ઈ ની ઘંટી ની ચાલે. તો ગામમાં એક વખત સૌ પ્રથમ એસ.ટી આવેલી ઢીંચણ સમાણો દળ હોય પછી તે ચાલે કેવી રીતે ? ફસાઈ ગઈ.તેથી લોકો કહેતા થયા કે, જોઈ ગાંદરાવાળાની કરામત ? ચાલવા દીધું ? જે તેલ માંથી ધુમાડો નીકળે ,તે સાધન ક્યારેય ચાલી શકે નહીં, એવી પ્રબળ લાગણી. ધુમાડો દેવદેવીઓ સહન કરી શકતા નથી. તેથી આવી સ્થિતિ થતી હતી એવી માન્યતા દ્રઢપણે જોવા મળે. છતાંય ગામ વચ્ચે કચરાના ઊકરડા થાય,ગંદકી ફેલાય,નાકે ડૂચા મારીને જાય પણ એ સાફ કરવાની કે ગંદકી ન કરવાનું કોઈને સૂઝે  નહીં.

આળસ તો એમની નસેનસમાં ધબકે,થૂંકવું હોય,લીંટ કાઢવી હોય,ચલમ કે હોકો ઠાલવવો હોય તો જ્યાં બેઠા હોય ત્યાં જ, એમ નહીં કે ઊભા થઈને બહાર ફેંકીએ. એવી રીતે કામના પણ આળસુ. ખેતરમાં ઢોર તરસ્યાં બાંધ્યા હોય, પણ ગામમાં ચા-પાણી,હોકા-કસુંબામાંથી નવરા જ ના પડે, એવી તો ખાસિયત. કામની કોઈ દ્રષ્ટિ કે અવેર જ નહીં. પાડે ખાધું પરાળ તે ન જુએ સીધું કે ચરાળ. બૈરાં આખો દિવસ વૈતરું કૂટ્યાં કરે. વહેલી સવારે ઊઠી,વલોણું વલોવે,દૂધતણાં ધુએ, વાસીદું વાળે, પાણી ભરી લાવે. રોટલો ટીપીને કે ઘેંશનો ડૂવો લઈને પહોંચી જાય ખેતરમાં. ઢોરોનું કરે,કોઈ ન હોય તો પાણત પણ કરે.આખો દિવસ ખેતરમાં વલવલાટ કરીને,રાતે ઘેર આવી રાંધે ,ખાઈને થાક્યા-પાક્યા ટૂંટિયું વાળીને સૂઈ જાય.આમ આખો જ્ન્મારો ચાલ્યો જાય.પડતાં-આખડતાં,ફરતાં રડતાં છોકરાં મોટા થઈ જાય.એમને ક્યાંક વીંટાળ્યાં એટલે નવરાં. છોકરાને કોઈ ધંધે-નોકરીએ નહીં પણ પરણાવ્યાં એટલે પોતાની ફરજ પૂરી થઈ એવી માન્યતાવાળા !

આખું ગામ એદી લાગે. એની ખાડા-ખડિયા, ઢાળ-ઢોળાવવાળી શેરીઓમાં પોતાનાં પગલાં રોપતાં રોપતાં અહીં સુધી આવ્યો છું. એ શેરીઓ,એ પાદર,એ વ્રુક્ષ-વનરાજિ,એ લોકો અને એ જીવનરીતિ ધબકે છે મારી નસેનસમાં, મારો પિંડ બંધાયો છે એ માટીથી. એ ધરતી નું ધાવણ મારાં અસ્થિઓમાં મોજૂદ છે. એ ખાડાને ટેકરા, એ થૂંબડા ને આંઘાં, એ બાવળને લીમડા,એ થોર ને કાંટા, એ શેઈડો ને પગદંડીઓ,એ મરણને પરણ, એ માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ,એ શુકન ને અપશુકન,એ કૂવાને તળાવ,એ શેઢાને ખેતર.એ ખરાબાને ભાઠાં, એ વગડોને ધૂળની ડમરીઓ ઊમટે છે મારામાં.આજે મારા રૂવેં રૂવેં ફૂટી નીકળે છે મારું વહાલું વતન. એની ભીની માટીનો મધમધાટ ફેલાઈ રહ્યો છે મારી ચોમેર.બે હાથ લાંબા કરીને વતન મને બોલાવી રહ્યું છે,હાલો ભેરુ ગામડે….!

www.vadgam.com