દર્શનકુમારના દર્શન !
તારીખ ૨૮.૨.૨૦૧૪ સાંજના પાંચ થયા હતા. બનાસકાંઠા જિલ્લાનાં વડગામ પોલીસસ્ટેશનના પી. એસ. ઓ. જકસીજી મેઘાજીએ ફોન ઉપાડયો. અવાજ આવ્યો : “વડગામ પોલીસસ્ટેશન ?”
“હા, વડગામ પો.સ્ટેથી પીએસઓ બોલું છું, બોલો શું કામ છે ?”
“સાહેબ, મારું નામ દર્શનકુમાર છે.(ઉં. ૩૪) પાટણ રહું છું. પાટણથી હું શેભર ગોગ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. રસ્તામાં બે મહિલાએ મને લૂંટી લીધો પછી જંગલામાં નાસી ગઈ.”
“લૂંટમાં શું ગયું છે ?”
“સાહેબ, મારી કાંડાઘડિયાળ, જમણા હાથનું કડું, પંચધાતુની બે વીંટી, મોબાઇલ ફોન, મારી પાસેના થેલામાંથી રોકડ રકમ રૂપિયા ૨૫,૦૦૦/-લૂંટી લીધેલાં છે. થેલીમાં બીજો એક મોબાઈલ ફોન હતો તે લઈ ગઈ છે. કુલ રૂપિયા ૩૪,૭૨૫/- લૂંટ થઈ છે.”
“તમે હાલ ક્યાં છો ?”
“સાહેબ, હું શેભર ગોગ મંદિરે છું. મંદિરના એક ભક્તના ફોનથી જાણ કરું છું.”
પીએસઓ જકસીજીએ તરત જ પોલીસ સબઇન્સ્પેક્ટર એ. વી. દેસાઈને ફોન કરી જાણ કરી : “સાહેબ, માની ન શકાય તેવી ઘટના બની છે. બે મહિલા લૂંટારુએ દર્શનકુમારને લૂંટી લીધો છે. દાળમાં કાળું લાગે છે !”
પીએસઆઈ દેસાઈ પેટ્રોલિંગમાં હતા, તેઓ તરત જ સ્થળ ઉપર પહોંચ્યા. ચોરી, લૂંટ, ધાડોમાં તપાસ ત્વરિત શરૂ કરવી પડે. પહેલાં તપાસ પછી ફરિયાદ ! શેભર ગોગ મહારાજનું મંદિર સરસ્વતી નદિનાં કિનારે છે. બાજુમાં ટેકરીઓ અને જંગલવિસ્તાર. શાંત જગ્યા. મંદિરની વિશાળ જગ્યામાં ધર્મશાળા પણ છે, પાંચમના દિવસે લોકો દર્શને આવે. વર્ષમાં ત્રણ-ચાર મેળા ભરાય. દિવસે ભક્તજનો આવે-જાય. રાત્રે પૂજારી, બે-ત્રણ સેવકો, ત્રણ એસટી બસના ડ્રાઇવર્સ-કંડક્ટર્સ અને ગ્રામરક્ષકદળના બે માણસો સિવાય કોઈ જોવા ન મળે. શેભર ગોગનાં બે મંદિર છે, એક નવું બીજું જૂનું. બે મંદિર વચ્ચે એકાદ કિલોમીટર જેટલું અંતર. બંને બાજુ રેતીના ઢગલા, નાની ટેકરીઓ અને કાંટાળા બાવળ. એકલા માણસને ડર લાગે તેવી આ જગ્યા ઉપર લૂંટ થઈ હતી.
પીએસઆઈ દેસાઈએ પછયું : “દર્શનકુમાર, ખરેખર લૂંટ થઈ છે ? મારા પોલીસસ્ટેશન વિસ્તારમાં જ નહીં, પરંતુ ગુજરાતમાં ક્યાંય મહિલા લૂંટારુ જોવા મળતી નથી. તમને ક્યાંથી ભટકાઈ ગઈ ?”
“સાહેબ, હું સાચું કહું છું. હું લૂંટાઈ ગયો છું, મને મદદ કરો.”
“તમે સાચું બોલો, તો જ મારી મદદનો અર્થ સરશે !”
“સાહેબ, શેભર ગોગના સમ, હું ખોટું બોલતો નથી.”
દેસાઈએ દર્શનકુમારનો ચહેરો વાંચ્યો. આજુબાજુમાં દસ-પંદર લોકો ઊભાં હતાં. દર્શનકુમારને એક બાજુ લઈ જઈને દેસાઈએ તેના કાનમાં કહ્યું : “ખરેખર શું બન્યું હતું ? તમારા દર્શન કેમ નિષ્ફળ ગયાં ?”
“સાહેબ, હું લૂંટાઈ ગયો છું.”
“લૂંટની વાત સાચી હોઈ શકે, પરંતુ લૂંટારી અજાણી મહિલાઓ વિશે મને શંકા છે.”
“સાહેબ, ખરેખર લૂંટ થઈ છે. આજે હું શેભર ગોગ મહારાજનાં મંદિરે દર્શન કરવા આવ્યો હતો. નવા મંદિરે દર્શન કરી, જૂના મંદિર તરફ જતો હતો ત્યારે રસ્તામાં બે અજાણી મહિલાઓ મળી. એકની ઉંમર ત્રીસ વર્ષની હશે, બીજી મહિલાની ઉંમર પચાસ વર્ષની હશે. બંને મહિલાઓએ મને લૂંટી લીધો.”
દર્શનકુમારે પોતાની વાત પકડી રાખી હતી. દેસાઈને તેમની વાતમાં દમ લાગતો ન હતો. યુક્તિપ્રયુક્તિ કર્યા વિના સાચી વાત બહાર આવે તેમ ન હતી. દેસાઈએ બૂમ પાડી : “ચૌધરી, જીપમાંથી લાઠી લાવો.”
દેસાઈના રાયટર તરીકે રમેશ વાલાભાઈ ચૌધરી હતા. તેમણે જીપમાંથી જાડી લાઠી કાઢીને દેસાઈના હાથમાં આપતાં કહ્યું : “સાહેબ, આ જૂઠું બોલે છે, પોલીસવાળી કરવી પડશે !”
દેસાઈએ હાથમાં લાઠી લઈ તેનું નિરીક્ષણ કર્યું, તે જોઈને દર્શનકુમારે કહ્યું : “સાહેબ, સાચી વાત જુદી છે !”
“બોલો, ખરેખર શું બન્યું હતું ?”
“સાહેબ, લૂંટ થઈ છે. હું સાચી વાત કહું છું પણ એ બંને મહિલાઓ હજુ દૂર પહોંચી નહીં હોય, પોલીસના માણસોને રવાના કરો તો બંને પકડાઈ જશે !”
દેસાઈએ, પોતાની જીપમાં, રાયટર રમેશ ચૌધરી અને બીજા બે પોલીસ માણસોને, બંને મહિલાઓનો પીછો કરવા તરત જ રવાના કર્યા. દર્શનકુમારે કહ્યું : “સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, સંકોચને કારણે મેં વાત છુપાવી હતી. થોડા દિવસ પહેલાં હું વિસનગર ગયો હતો. બસસ્ટેશનમાં હંસાનો(ઉં.૩૨) સંપર્ક થયો, અમે એકબીજાના મોબાઈલ ફોનનંબરની આપલે કરી. હંસા મિસકોલ કરતી ફોન ઉપર વાતો થતી. એકાદ-બે વખત વિસનગર રેસ્ટોરન્ટમાં સાથે નાસ્તો કર્યો. હું દિલ દઈ બેઠો, હંસાને હું એકાંતમાં મળવા ઇચ્છતો હતો. હંસાએ મને કહેલ કે શેભર ગોગ મંદિરની આજુબાજુ જંગલ અને ટેકરીઓ છે. મંદિર સિવાય માણસોની અવર-જવર રહેતી નથી. બંને મંદિર વચ્ચે, રસ્તાની બાજુમાં ટેકરીઓ પાછળ શાંતિથી મળીએ ! હું તૈયાર થઈ ગયો. દોડવું હતું ને ઢાળ મળ્યો! કડકડતી ભૂખ લાગી હોય અને ભાવતાં ભોજનનો થાળ મળે, એવું મને લાગ્યું ! તારીખ ૨૮.૨.૨૦૧૪ના રોજ, હું પાટણથી ખેરાલુ આવ્યો. હંસા અને તેની કાકીસાસુ રમીલા દેણય ગામેથી ખેરાલુ આવ્યાં. ખેરાલુથી રિક્ષામાં શેભર ગોગ મંદિરે આવ્યાં. મંદિરે દર્શન કર્યાં. હંસા અગાઉ અહીં આવી હતી, તેથી તેણે કહ્યું કે આપણે જૂનાં મંદિરે દર્શન કરવાં જોઈએ. અમે ત્રણેય ચાલતાં થયાં. અડધો કિલોમીટર ચાલ્યાં ત્યાં સૂમસામ જગ્યા આવી. હંસાએ કહ્યું કે થોડીવાર એકાંતમાં મળીએ. રમીલા રસ્તાની બાજુમાં બેઠી, હું અને હંસા ટેકરી પાછળ ગયાં. અમે પ્રેમસાગરમાં ડૂબીએ તે પહેલાં, હંસાનો પતિ જીતુજી કેશાજી ઠાકોર(ઉ. ૩૬), મુકેશજી છનાજી ઠાકોર(ઉ. ૨૫) અને એક બીજો માણસ મોટરસાઇકલ ઉપર ધોકા, ધારિયું અને છરી લઈને આવી પહોંચ્યા, રમીલા પણ પાછળ પાછળ આવી. સાહેબ, મને ધોકાથી માર્યો અને મને લૂંટી લીધો. મેં બૂમાબૂમ કરી. હંસા અને રમીલાને ત્યાં મૂકી ત્રણેય ઈસમો મોટરસાઇકલ ઉપર નાસી ગયા. હંસા અને રમીલા જંગલ તરફ ભાગી ગઈ.”
પીએસઆઈ દેસાઈ સ્થળ ઉપર દર્શનકુમારની ફરિયાદ નોંધતા હતા તે દરમિયાન રાઇટર રમેશ ચૌધરી બંને મહિલાઓને જંગલમાં શોધી રહ્યા હતા. હમરીરપુરા તરફ આઠેક કિલોમીટર દૂર ગયા ત્યારે ચૌધરીની નજર બે મહિલાઓ ઉપર પડી. ચૌધરીએ પૂછયું : “બહેન, કયા ગામનાં છો ?”
“સાહેબ, અમે શેભર ગામનાં છીએ.”
“શેભર ગામનો તો હું પણ છું. તમને ક્યારેય જોયાં નથી !” ચૌધરીએ હવામાં તીર ચલાવ્યું !
બંને મહિલાઓ વર્ણન મુજબની હતી. બંનેના ચહેરા ઉપર ભય હતો. બંને પોતાના ચહેરા ઉપરનો પરસેવો લૂછવા લાગી, યુવાન વયની મહિલાના હાથમાં થેલી હતી, થેલી તપાસવા માગી, મહિલાએ થેલી બગલમાં છુપાવી દીધી. ચૌધરીએ થેલી તપાસી તો તેમાં લૂંટનો થોડો મુદ્દામાલ હતો. ચૌધરીએ દેસાઈને ફોન કર્યો : “સાહેબ, બંને મહિલાઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગઈ છે.”
“શાબાશ ! એને મારી પાસે લઈને આવો.”
દેસાઈએ દર્શનકુમારની ફરિયાદ નોંધી અને પોલીસસ્ટેશને રજિસ્ટર કરવા મોકલી. પીએસઓ જકસીજીએ આઈપીસીની કલમ ૩૯૫, ૧૨૦-બી હેઠળ એફઆઈઆર રજિસ્ટર કરી. તપાસ દેસાઈએ સંભાળી, બંને મહિલા આરોપીને અટક કરી. રાત્રે એક વાગ્યે વિસનગર તાલુકાનાં દેણપ ગામે છાપો મારી, આરોપીઓને દબોચી લીધા. ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ કબજે કરી : લૂંટનો બાકીનો મુદ્દામાલ આરોપીઓનાં ઘરમાંથી મળી આવ્યો. છરો, ધારિયું અને ધોકા કબજે કર્યા. બંને મોબાઈલ ફોન કબજે કર્યા. લૂંટમાં ગયેલા મુદ્દામાલની ઓળખ કરવા તપાસ અધિકારી દેસાઈએ દર્શનકુમારને બોલાવ્યા. દર્શનકુમારે નીચે મોં રાખી કહ્યું : “સાહેબ ! મારી ભૂલને કારણે પોલીસને હેરાનગતિ થઈ, મને માફ કરો, હવે પછી હું ક્યારેય ‘દર્શન’ કરવા નહીં જાઉં !”
This Post Has 0 Comments