વ્યક્તિ-વિશેષ

યે જિંદગી ના મિલેગી દોબારા…. www.vadgam.com

(વડગામ ના વતની અને મુંબઈ સ્થિત જાણીતા આર્કિટેક્ટ શ્રી દિલિપભાઈ મેવાડા  કેન્સર નામના જીવલેણ રોગ સામે દ્રઢ મનોબળ સાથે લડત આપી જિંદગી ની લડાઈ કેવી રીતે જીત્યા તેનો લેખ ચિત્રલેખાના ૫ માર્ચ ૨૦૧૨ના અંક માં પ્રસિધ્ધ થયો હતો,તેનો લેખ ચિત્રલેખાના સૌજન્ય થી અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે,જે દરેક વ્યક્તી અને ખાસ કરીને આવા અસાધ્ય રોગો થી પીડાતી વ્યક્તીઓ માટે પ્રેરણારૂપ છે….)

દિલીપ મેવાડા ( જાણીતા આર્કિટેક્ટ )
દિલીપ મેવાડા ( જાણીતા આર્કિટેક્ટ )

રોગ રોગનું કામ કરે…તમે તમારું !

૧૭ જૂન ૨૦૧૦…

સવારે સાડા છ વાગ્યે દિલીપ મેવાડાની આંખો ખૂલી ત્યારે એમણે જોયું કે બેડરૂમમાં એ સાવ એકલા છે.એમને ઉભા થઈને બાથરૂમમાં જવું હતું ,પણ એ શક્ય નહોતું. બનેં પગ સાવ નકામા હતા ને પીઠનું દર્દ અસહ્ય હતું.વળી બેડ રેસ્ટની કડક સૂચના હતી. જે કરવું હોય તે પથારીમાં !

દિલીપને આવા પરવશ જીવનનો હવે ત્રાસ થતો હતો. એક ક્ષણ માં એણે નક્કી કરી લીધુ: આના કરતાં તો મરી જવું સારું….

જો કે થોડી જ વારમાં બીજો વિચાર આવ્યો: આત્મહત્યા તો કાયર કરે…હું કાયર નથી !

એ પછી ત્રીજો વિચાર : વ્હીલચેરમાં રહેવાની શી જરૂર છે ?

ચોથો વિચાર : ચાલ ઉભો થા !

——-

પચાસ વર્ષના આર્કિટેક્ટ દિલીપ મેવાડાને જીવનમાં જે જોઈએ એ બધું જ હતું: વત્સલ માતા,સાલસ સ્વભાવની પત્ની નીરુ, બે તેજસ્વી પુત્ર યશ-રાજ, કારકિર્દીનો મધ્યાહને તપતો સૂરજ ને એટલે પૈસે ટકે સુખી-સંપન્ન !

એક દિવસ સુખનો આ મિનારો કડડડભૂસ થતો લાગ્યો. ૨૦૧૦ના ઉનાળામાં એ સપરિવાર ન્યૂઝીલેન્ડ ફરવા જાય છે.મનભરીને ન્યૂઝીલેન્ડ  માણ્યા બાદ  મુંબઈ આવવાના આગલે દિવસે હોટેલ રૂમમાં અચાનક એમની કમર નીચેનો ભાગ જડ થઈ જાય છે..બનેં પગ કામ કરતા બંધ થઈ જાય છે.જેમ-તેમ વ્હીલચેર માં બેસીને મુંબઈ આવે છે.મુંબઈ માં ડો.શેખર ભોજરાજ  તાત્કાલિક ઓપરેશન કરી કરોડરજ્જુમાંથી એક ગાંઠ કાઢે છે. એ ગાંઠ મલ્ટિપલ માયલોમા નામના કેન્સર ની છે એવુ નિદાન લીલાવતી હોસ્પિટલના ડો.અભય ભાવે કરે છે.

મલ્ટિપલ માયલોમા એટલે બોનમેરો ધ્વારા લોહીમાં રહેલા શ્વેતકણમાંના અમુક એવા કણ ,જે પ્લાજ્મા સેલ તરીકે ઓળખાય છે એનું કેન્સર, આમાં શરીરના પ્રત્યેક સાંધા પર ગાંઠ થવાની શક્યતા રહે ને હાડકા કમજોર થઈ જાય.

ડો.ભાવેનું કહેવુ હતું કે મલ્ટિમલ માયલોમાનો કોઈ કાયમી ઉપચાર નથી માટે આવતી કાલથી કીમોથેરપી શરૂ કરીએ….

હવે પછીની વાત સંવાદ રૂપે:

દિલીપ : હોલ્ડ ઓન ડોક્ટર ….મારે કીમોથેરપી નથી કરાવવી. અત્યારે મારે ઘેર જવું છે. ચાર-પાંચ દિવસ પછી પાછો આવીશ.

ડોક્ટર : મને લાગે છે ,તમે બરાબર સમજ્યા નથી.

દિલીપ : ના, હું બરાબર સમજી ગયો છું, પણ તમને કદાચ ખબર નહી હોય કે મારા પરિવારમાં કેન્સર નો એક લાંબો ઇતિહાસ છે.મારા પિતાને મેં લન્ગ કેન્સર માં ૪૦ દિવસમાં ૩૦ કિલોના થઈને મરતા જોયા છે. મારા દાદાને ગળાનું તો કાકાને જીભનું કેન્સર હતું. મોસાળમાં નાના-નાની, બે મામા,મામી,મામા ના છોકરા બધાને કેન્સર માં જતા જોયા છે. મારા ગામ,મારા સમાજ માં ,બનાસકાંઠા વિસ્તારમાં પચાસ ટકા કેન્સર ડેથ હોય છે એટલે જિનેટિકલી આઈ એમ હાઈલી પ્રોન ટુ કેન્સર.

ડોક્ટર : ઓકે. ઘરે જઈને શું કરશો ?

દિલીપ : આર્થિક-સામાજિક વહેવાર પૂરા કરીશ,ભવિષ્યનું પ્લાનિંગ કરીશ અને ૨૧ જૂને તમારી પાસે આવીશ.

ડોક્ટર : એક વાત તમે સમજી લેજો કે વિલંબ તમારે માટે જોખમી છે અને માયલોમાનો કોઈ ઇલાજ નથી..ઇટ્સ નોટ ક્યોરેબલ,બટ ઇટ ઇઝ ટ્રીટેબલ.

દિલીપ : ડોક્ટર એક વાત કહું? ૨૧મી એ હું તમારી પાસે આવીશ એ પછી મારા શરીર સાથે તમારે જે કરવું હોય તે કરજો. મને સંપૂર્ણ સાજો કરીને આપણે એક વિશ્વવિક્રમ કરીએ.

ડોક્ટર : જોઈએ હવે….

દિલીપ :બીજી એક વાત – ૨૧મી એ હું વ્હીલચેરમાં નહી,પણ ચાલીને આવીશ.

એ પછી ડોક્ટરે જે કહ્યું નહોંતુ તે આ હતું:

અરે ગાંડો છે આ તો …ભઈ તારી કરોડરજ્જુ ખોલી નાખી છે…એને ટટ્ટાર રાખવા ફાઈબરનું જેકેટ પહેરાવ્યું છે. છ મહિના સુધી તુ પલંગમાંથી ઉભો થવાનો નથી ને પાંચ દિવસ પછી ચાલીને આવવાની વાત કરે છે…

૧૫ જૂન ૨૦૧૦ના રોજ હોસ્પિટલમાંથી રજા મેળવી દિલીપ ઘેર આવે છે.ચેક્સ,કાગળિયા સાઈન કર્યા,જેને પાવર ઓફ એટર્ની આપવાના હતા એ આપી દીધા,બનેં પુત્રને બધુ સમજાવી દીધું.

બસ હવે રાહ જોવાની હતી ૨૦ જૂનની….

——-

૧૭ જૂનની એ સવારે  સાડા છ વાગ્યે ફિલ્મના ટ્રેલરની જેમ આ બધું પરવશ દિલીપની આંખ સામેથી પસાર થઈ ગયુ..એ ચિત્રલેખાને કહે છે.

પલંગથી બાથરૂમ અઢી ફૂટ દૂર હતો. શરીરમાં જોર હતુ નહી.સાઈડ ટેબલ તથા બીજા આધાર લઈને જેમ તેમ હું ઉભો થયો.પચ્ચીસ મિનિટે હું માંડ માંડ બાથરૂમ સુધી પહોંચ્યો ને ટોઈલેટ સીટ પર ફસડાઈ પડ્યો..સામેની સાઈડ પર મિરર હતો,એમા મેં મારું પ્રતિબિંબ જોયું. હું મારી જાતને ઓળખી નહી શક્યો.

દિલીપ આ તું છે ? શું કરી નાખ્યું તે તારી જાત સાથે..?

ફરીથી ખરાબ વિચારોએ મગજનો કબજો લીધો,પણ થોડી જ વારમાં વિચારોને ખંખેરી એમણે રાડ પાડી:

દિલીપ…તું હજી જીવે છે!

એ હળવેક્થી ઉમેરે છે:

“મને થયું, આ તો માતાજીના ,કુળદેવીના આશીર્વાદ છે.એમણે મને લેવો હોત તો ક્યારનો લઈ લીધો હોત,પણ એમણે મને જિવાડ્યો છે તો હવે આ કેન્સર વિશે સમાજમાં જાગૃતિ ફેલાવ,તારા જેવા લોકોને મદદ કર…”

બસ, એ પછી એમણે બમણા જુસ્સા સાથે કેન્સરને માત આપવાનું નક્કી કર્યુ.પાંચેક દિવસ અસહ્ય દર્દ વેઠીને ઘરમાં ચાલવાની પ્રેક્ટિસ કરી અને ડોક્ટરને આપેલા વચન મુજબ ૨૧ જૂને એ લીલાવતી હોસ્પિટલના પ્રાંગણમાંથી ઓપીડી સુધી ચાલતા ગયા.

એમનો અડગ નિર્ધાર જોઈને ડો.ભાવે એ કહ્યુ;

” આઈ કાન્ટ બિલીવ ધિસ ! યુ હેવ અ ફેન્ટાસ્ટિક રિકવરી. નાઉ લેટ મી  રિ-થિન્ક. મારે કીમોથેરપી નથી કરવી. હું તમને એ જ દવાનો ડોજ ઇન્જેક્શનથી નહી,પણ ટેબ્લેટ સ્વરૂપે આપીશ.”

આ રીતે લેન ડેક્સની ઇમ્યુનોથેરપી પહેલી સાઈકલ શરૂ થઈ. પહેલી સાઈકલ બાદ ડો.ભાવેએ રેડિયેશનની જરૂર છે કે નહી એ માટે મુંબઈની હિંદુજા હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડો.કન્નનને કન્સલ્ટ કરવા કહ્યું. ડો કન્નને પણ દિલિપની હિંમત જોઈને ત્રણ મહિના માટે રેડિયેશન ટાળી દીધું.

એ પછી લેન ડેક્સની બે સાઈકલ પૂર્ણ થયા બાદ ટેસ્ટ કરાવતા ખબર પડી કે પૂર્ણ કરોડરજ્જુમાં જમણી બાજુના હિપબોન સોકેટમાં રોગ ફેલાયો છે. ત્યાર બાદ ઇમ્યુનોથેરપીની  ત્રીજી સાઈકલ બાદ એમ આર આઈ સ્કેલેટોગ્રામ કર્યો તો જાણે ચમત્કાર થયો. ડો. ભાવે એ ફાઈલ પર શેરો માર્યો;

વીજીપીઆર અર્થાત વેરી ગુડ પાર્શિયલ રેમિશન !

ત્યારે દિલીપે કહ્યું કે ડોક્ટર આનો અર્થ એ કે આપણે વર્લ્ડ રેકોર્ડની નજીક છીએ ? ડોકટર કશું બોલ્યા નહી માત્ર અર્થસભર સ્મિત રેલાવ્યું.

ઇમ્યુનોથેરપીની છ સાઈકલ બાદ રિપોર્ટ એકદમ સરસ આવ્યો. રેડિયોલોજિસ્ટ ડો.કન્નને કહ્યું કે હવે રેડિયેશનની જરૂર નથી,પણ હું તમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપું છું. એમના કહેવા મુજબ, એ કરાવ્યા પછી તમે ક્યોર લેવલ પર આવી જશો ને નોર્મલ, પીસફૂલ, બ્યુટિફુલ લાઈફ જીવી શકશો.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ  મુંબઈની  પ્રિન્સ અલીખાન હોસ્પિટલના પ્રખ્યાત ડો.તપન સૈકિયા કરશે એવું નક્કી થયું. આ અગાઉ ડો.સૈકિયાએ ૧૯૮૨માં ભારતનું પહેલું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરેલું.

૨૦ માર્ચ, ૨૦૧૧ ના રોજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું.આ દરમિયાન પણ એમનો જુસ્સો કમાલનો હતો.એ સ્કેચ બનાવતા,યોગાસન કરતા,સંગીત સાંભળતા,પોતાની એક પિક્ટોરિયલ બાયોગ્રાફી લખવાના નિર્ધાર સાથે લેપટોપ કોમ્પ્યુટર પર મુદ્દા ટપકાવતા.ટૂંકમાં, એમનો સ્પિરિટ અચંબો પમાડે તેવો હતો એટલે જ સારવાર દરમિયાન એક દિવસ ડો.સૈકિયાએ વિનંતી કરી: મારા એક પેશન્ટ સાથે વાત કરશો ? એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે,પણ એ બહુ અપસેટ છે…

“જરૂર શું નામ એનું ?”

“ આદેશ શ્રીવાસ્તવ. જાણીતા સંગીતકાર”

– અને માંદગીના બિછાનેથી દિલીપે આદેશ શ્રીવાસ્તવનું કાઉન્સેલિંગ શરૂ કર્યુ…

૧૫ જુલાઈ,૨૦૧૧ ના રોજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ રિકવરી પછી રિપોર્ટ આવ્યો:કમ્પ્લિટ રેમિશન”

આજે દિલીપ મેવાડાએ ત્રણેક માયલોમા પેશન્ટ તથા સીએ હિતેશ ભૂતા તથા યુકેના ડો.અતુલ મહેતાથી લઈને ડો.તપન સૈકીયા,ડો.અભય ભાવે ,ઓસ્ટ્રેલિયાના ડો.મમ્મન ચેન્ડી, ઇન્ડિયન આર્મીના ડો.વેણુ નાયર,પૂણેના ડો.શશી આપ્ટે,ડો,જોશુઆ સાથે મળીને  માયલોમા ફ્રેન્ડસ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે.આ ઉપરાંત,એ કેન્સર પેશન્ટ આગળ કાઉન્સેલિંગ કરવા જાય છે.પોતાનો અનુભવ એમની સાથે વહેંચી માયલોમા સાથે જિંદગી કેવી રીતે જીવવી એ સમજાવી એમને ચિયરફુલ રાખે છે.

એ કહે છે:

“ રોગ રોગ નું કામ કરે , દવા દવા નું કામ કરે અને તમારે તમારું કામ કરવાનું”. ધેર ઇજ નથિંગ વિચ ઇચ સ્ટોપેબલ….સાચું કહું તો છેલ્લા ૧૯ મહિના મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો. ઇટ વોઝ અ બ્યુટિફુલ જર્ની.

-અને હા…કેન્સર ઇજ ક્યોરેબલ !