સેંભર (વડગામ) મુકામે સામાજિક સમરસતા હેતુ પ્રેરક કાર્ય.
નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું.
આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા તીર્થના મુનિ મહારાજ, કૈલાશગીરી મહારાજ (માહી), સત્તદેવગીરી મહારાજ (સેમોદ્રા), રઘુદાસ મહરાજ (ભાટવામાં) તેમજ અનેક સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિમાં વડગામ તાલુકાના ૨૮ ગામડાઓની વિવિધ જ્ઞાતિઓના માંથી ૬૩ યજમાનોએ આ મહાયજ્ઞમાં આહુતિ આપી સંતો મહંતોના આશિર્વાદ મેળવ્યા હતા. યજ્ઞ નું સંચાલન ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
તાલુકાભરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. વડગામ પંથકમાં આયોજીત થયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા વડગામ તાલુકામાંથી અનેક દાતાઓશ્રીઓનો સહયોગ સાંપડ્યો હતો.
થોડા સમય અગાઉ તાલુકા મથક વડગામમાં પણ લોકડાયરા થકી સામાજિક સમરસતા માટે જનજાગૃતિનું આયોજન કરવમાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કોમ કોમ વચ્ચેના અંતરને લીધે હિન્દુસ્તાને વર્ષોની ગુલામી વેઠી છે. આ પ્રકારના આયોજનો હિન્દુસ્તાનમાં વસતી દરેક પ્રજાના માનસમાં એક સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરવા સહાયકરૂપ બનશે અને પરિણામ સ્વરૂપ એક તંદુરસ્ત અને અખંડ રાષ્ટ્ર ટકાવી રાખવા નિમિત્ત બનશે.
સામાજિક સમરસતાને અભાવે એવા કેટલાય સકારાત્મક કાર્યો છે જે પરિપૂર્ણ થઈ શકતા નથી. સમય અને શક્તિઓનો અયોગ્ય વેડફાટ થાય છે. સામાજિક સમરસતા થકી સામુહિક શક્તિનું નિર્માણ કરી તેને યોગ્ય દિશા આપવામાં આવે તો સાચા અર્થમાં વિકાસલક્ષી દ્રષ્ટિકોણ કેળવી રાષ્ટ્રના ઉજ્જવળ ભાવી તરફ ડગ માંડી શકાય.
વડગામ.કોમ સમાજિક સમરસતા સમિતિ વડગમ તાલુકાને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.