Uncategorized, જનરલ માહિતી, વિશેષ પ્રવૃતિઓ

વડગામ નું ગૌરવ બની વિનસ હોસ્પિટલ.

Venus Hospitalવિનસ જ્વેલ નું નામ સંભળાય એટલે ચોક્કસ માનવું જ પડે કે વડગામ માટે કંઇક ગૌરવપ્રદ ઘટના હશે. પ્રામાણીકતા, ચોકસાઈ, નીતિમત્તા, વ્યહવારશુધ્ધતા અને સુચારૂ  વ્યવસ્થા જેવા માપદંડોના સથવારે આજે વિનસ જ્વેલ નું દુનિયામાં મોટું નામ અને કામ છે. દેશના હીરા ઉદ્યોગમાં અગ્ર હરોળ માં સ્થાન મેળવ્યા બાદ આરોગ્ય ક્ષેત્રે પણ વિનસ પ્રવેશ કરી રહ્યું છે તો નિ:શંકપણે  કહી શકાય  કે જરૂરીયાતમંદ વ્યક્તિઓને આરોગ્ય બાબતે ઉત્સ્કૃષ્ટ આરોગ્યસેવાનો લાભ રાહતદરે  ઉપલબ્ધ થશે. વડગામના શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર માંથી આદરણીય શ્રી રમણીકલાલ પી શાહ તેમજ આદરણીય સેવંતીલાલ પી. શાહે વર્ષો અગાઉ વિનસ જ્વેલ કંપનીની સ્થાપના કરી હતી. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર માંથી  સમયાંતરે વતન તેમજ વતન બહાર ઉદાર હાથે સમાજ ઉપયોગી કાર્યોમાં જરૂરી આર્થિક સહયોગ સાંપડતો રહ્યો છે. વતનની શૈક્ષણીક સંસ્થાઓ હોય કે પછી નાના મોટા સામાજિક વિકાસના કાર્યો હોય હંમેશા તેમનો સકારાત્મક દ્રષ્ટિકોણ રહેતો હોય છે. વતન સાથે પોતાના બાળકો નો પણ નાતો બંધાઈ રહે તે હેતુ આ પરિવાર બે ત્રણ વર્ષે દિવાળી વેકેશનમાં સહપરિવાર વતન વડગામની ની મુલાકાતે આવતા રહે છે. વેપાર ઉદ્યોગ ની જેમ આ પરિવાર માંથી અતુલ શાહ આધ્યાત્મિક ક્ષેત્રે પણ  વડગામને ગૌરવ બક્ષી ચૂક્યા છે . અતુલ શાહ કે જેઓએ વર્ષો અગાઉ  દિક્ષા ગ્રહણ કરી આજે હિતરૂચી મહારાજ સાહેબ  તરીકે ઓળખાઈ રહ્યા છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છે.

Venus Hospital-4સુરત શહેર માં શતાબ્દી ઉપરાંત થી કાર્યરત અગ્રણી સેવા સંસ્થા અશકતાશ્રમ કેમ્પસમાં અંદાજીત ૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત શ્રીમતિ રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે બુધવાર તા. ૩૦ જાન્યુઆરી ના શુભ દીવસે સંસ્થાના કેમ્પસ માં કરવામાં આવ્યું. માનનિય પ્રધાનમંત્રી શ્રી એ જણાવ્યું હતુ કે વ્યવસાય સાથે સેવંતીભાઈએ નિયમો ક્યારેય નથી તોડ્યા વધુ માં તેમણે જણાવ્યું કે વિનસ હોસ્પિટલ સુરતની જ નહીં પણ ગુજરત માટે નવું નજરાણું બનશે. લાલ દરવાજા ફ્લાયઓવર નજીક રીંગરોડ ખાતે આવેલી હોસ્પિટલ ના કેમ્પસમાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો જેમાં અતિથી વિશેષ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય મહેમાનો તરીકે માં. આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી. મા. મેયર શ્રી ડૉ.જગદીશભાઈ પટેલ, મા.સાસંદ શ્રી સી.આર.પાટિલ,માં. સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ તથા શહેર ભાજપ પ્રમુખ પધાર્યા હતા.સમારોહમાં શહેર ના ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, સમાજસેવકો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સને ૧૯૧૨ માં અશક્ત અને નિરાધારની સેવા સુશ્રુષા માટે શરૂ થયેલી સંસ્થામાં ૮૦ વર્ષ પહેલા નાનું દવાખાનું શરૂ થયેલું અને ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ કરી સને ૧૯૪૮ થી અશકતાશ્રમ હોસ્પિટલ નામથી હોસ્પિટલ શરૂ કરેલી જે સમય જતા શહેરની અગ્રણી હોસ્પિટલોમાં ગણના પામતી હતી પરતું ટેકનો ટેકનોલોજી અપગ્રેડેશનના અભાવે હોસ્પિટલ સમય સાથે તાલમેલ રાખી શકી ન હતી. સંસ્થાના સદ્દભાગ્યે સંસ્થા ના ટ્રસ્ટી અને સેવાભાવી દાનવીર અને વડગામના વતની આદરણિય શ્રી સેવંતીભાઈ શાહ અને તેમના પરિવાર ના સૌજન્યથી શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલ નામથી નવનિર્મિત અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ જાહેર જનતાની સેવા માટે કાર્યરત થઈ . વડગામના  શ્રી સેવંતીભાઈ શાહ અને તેમના પરિવારના સહયોગથી જ આ શક્ય બન્યું છે.

નવનિર્મિત હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા, હીરા ઉદ્યોગ અગ્રણી અને વિશ્વવિખ્યાત કંપની વિનસ જ્વેલના માલિક શ્રી સેવંતીભાઈ પી.શાહે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આર્થિક સહયોગ તો અગાઉ આપેલો પછી વિચાર આવ્યો કે, પ્રામાણિકતા અને સિદ્ધાંતો સાથે જે રીતે હીરા ઉદ્યોગમાં સફળતા મેળવી છે તે જ રીતે પ્રામાણિકતા અને સિદ્ધાંતો સાથે સફળ હોસ્પિટલનું નિર્માણ કરીએ તો ઘણું લોકોપયોગી બની રહેશે. મારો અનુભવ છે કે મોટા ભાગના ડોક્ટરો સારા હોય છે. તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તો સારી અને સાચી સારવાર તેમના દ્વારા મળી રહે. આ વિચારથી હોસ્પિટલના પ્લાનિંગ અને મેનેજમેન્ટ માટે સમય આપતો ગયો. આજે સ્વપ્ન સાર્થક બન્યું છે.નીતિમત્તા સાથે ગુણવતાસભર આરોગ્ય સેવાનો નિર્ધાર એ હોસ્પિટલનો ધ્યેય છે. જરૂર કરતા જરા પણ વધુ સમય દર્દીએ હોસ્પિટલમાં રહેવું ન પડે, બિનજરૂરી મેડિકલ રીપોર્ટસ ન કરાવવા પડે  અને વ્યાજબી દરે ગુણવતા સભર સેવા મળી રહે તેમ કરવા હોસ્પિટલ પરિવાર કટીબદ્ધ છે.અહી મોકળાશભર્યું અદ્યતન I.C.U હર્દય રોગની સારવાર માટે અદ્યતન કેથલેબ અમે મોડ્યુલર ઓપરેશન થીયેટર તથા સ્પેશિયલ રૂમ જેવી સવલત ધરાવતા વાતાનુકુલિત જનરલ વોર્ડ છે. નિષ્ણાત ડોકટરો દ્વારા NABH ના ધોરણો અનુસાર ઉચ્ચ ગુણવતાસભર સારવાર આપવાનો ઉદ્દેશ છે. સંસ્થા પાસે મોટી જમીન છે અને તેથી ભવિષ્યમાં પણ સમાજસેવા માટે નવી અને વધારાની સગવડો ઉભી કરવા અમારો નિર્ધાર છે.

વિનસ હોસ્પિટલ સિધ્ધાંત ના ભોગે કોઈ સમાધાન નહિ કરે, દર્દીનું હિત પહેલા જોશે. હોસ્પિટલમાં  તમામ આધુનિક સેવાઓ આપવામાં આવી છે. આ સંસ્થા સેવાકીય રાહે કામ કરશે.  કોઈ ડોક્ટરને કે એજન્ટ ને કાર્મ કંપનીને  કોઇ કમિશન આપવાના નથી. સંપૂર્ણ પણે એથિક્સ આ હોસ્પિટલ કામ કરશે.જેમાં સુપર સ્પેશીયાલીટી સુવિધાઓ પણ મળશે. એક્યુપન્સી ના ધોરણે આ હોસ્પિટલ નહિ નફા નહિ નુકશાનના ધોરણે ચાલશે ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓનો ઉપચાર પ્રામાણીકતાથી થઈ રહ્યો છે કે કેમ તેની દેખરેખ હેતુ કુલ ૪૦ સ્વયંસેવકો ૨૪ કલાક કાર્યરત રહેશે જેઓ પ્રત્યેક દર્દીને મળીને તેમની સમસ્યા અને સારવારની જાતમાહિતી મેળવશે.

Venus Hospital-3મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તથા આયુષ્યમાન ભારત યોજના સાથે હોસ્પિટલને જોડવામાં આવી છે. આ હોસ્પિટલ આવનાર સમયમાં દર્દીઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બનશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી.

વિનસ જ્વેલના પાર્ટનર તથા સંસ્થા ટ્રસ્ટી આદરણીય શ્રી સેવંતીભાઈ શાહ ,શ્રી હિતેશભાઈ શાહ તેમજ સમગ્ર  પરિવારને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.