Poem-Gazal

વડગામનું ગજલિસ્તાન : ૦૯.૦૩.૨૦૧૮

Logo-A

[વડગામ તાલુકાના જલોત્રા ગામના મૂળ વતની શ્રી કમલેશભાઈ મકવાણાની સ્વરચિત સુંદર રચનાઓ માણો. શબ્દોની સુંદર સજાવટ બદલ શ્રી કમલેશભાઈ ને અભિનંદન]

[૧]

માનવીની માણસાઈ જીવશે.

એમનામાં એ સવાઈ જીવશે.

લોક રાખે છે હવે તો યાદ ક્યાં,

ક્યાં સુધી બોલો, ભવાઈ જીવશે.

હાશકારો થાય તો પણ ચાલશે,

આ સહનતા કે તવાઈ જીવશે.

આ મજૂરી હાથપગની આપણી,

મોંઘવારીમાં કમાઈ જીવશે ?

યાદ રાખી છે જ તો મન બાળશે,

એ હ્રદયમાં અંગડાઈ જીવશે.

મારવું પડશે અમારે થીંગડું

ક્યાં સુધી આ નફ્ફટાઈ જીવશે ?

એક રે’શે આપણા મન આજથી,

જ્યાં સુધી બેમાં સગાઇ જીવશે.

આખરે તો આ પ્રણયમાં છે મિલન,

બસ પછી એના, જુદાઈ જીવશે.

થાય તો કર કોઇનું સારૂં “કમલ”,

મોત પાછળ તુજ ભલાઈ જીવશે.

[૨]

ફળ વિશે મને ખબર નથી.

જળ વિશે મને ખબર નથી.

હું ય પોતે કાંઠાનો કવિ છું,

તળ વિશે મને ખબર નથી.

તમે જશો ને ફરીથી દુઃખશે,

કળ વિશે મને ખબર નથી.

વિરહે ખેડ્યું ને ઉગી યાદો,

હળ વિશે મને ખબર નથી.

તારું કામ છે કે આ સમયનું,

છળ વિશે મને ખબર નથી.

ક્યારે મોત આવશે આપણું,

પળ વિશે મને ખબર નથી.

મરી ને ક્યાં જશે આ કમલ,

સ્થળ વિશે મને ખબર નથી.

[૩]

કેટલી ગંભીરતાથી લીધી હશે મજાકને,

મુલાકાત તો એ પછીની ના આપી મને.

કેટકેટલા પ્રલોભનો આપ્યા તને જિંદગી,

એક ક્ષણ પણ ઉછીની ના આપી મને.

[૪]

મંદિરમાં જઇને માગવાની ટેવ સારી નથી,

કહો મંદિરમાં જનારૂં કોણ ભિખારી નથી.

[૫]

મને શું થયો ઇશ્ક સારું થયું છે.

અને દર્દ સઘળું ય મારું થયું છે.

[૬]

છોડું તને કે, શ્વાસ છોડી દઉં,

મેં રાખેલો વિશ્વાસ છોડી દઉં.

એને પુરાવો આપું તો માનશે?

જીવ વિનાની લાશ છોડી દઉં.

[૭]

એના વગર શ્વાશનું લેવું ને છોડવું ફાવ્યું નહીં,

પ્રેમમાં એમનું અધવચ્ચે તરછોડવું ફાવ્યું નહીં.

જેને એકેય પળ પણ મારા વિના ચાલતું ન’તું,

એનું ભરી મહેફિલમાં મોં મચકોડવું ફાવ્યું નહીં.

[૮]

માનવીની માણસાઈ જીવશે.

એમનામાં એ સવાઇ જીવશે.

[૯]

તને જોયા પછી તો ઈશ્ક ની કૂંપળ ઉગી દિલમાં,

હવે તો તું પ્રણય થઇ ને સદા માટે વસી દિલમાં.

[૧૦]

એ સમય પણ ઝડપથી જાતો હશે.

જ્યાં સનમ સાથે મુલાકાતો હશે.

[૧૧]

મારી બધી જીતેલી બાજી હારમાં પલટાઇ ગઈ,

ને સારું થયું કે કવિ તરીકે જાત એની પંકાઇ ગઇ.

મળવા એ આવી જ હતી કમલને છેલ્લી ઘડીએ.

શ્વાસ ખૂટ્યાને લાશ મારી કફનમાં સમેટાઇ ગઇ.

[૧૨]

જ્યાં સદાય પૂજાતી મહિલા હોય છે.

ત્યાં જ માત્ર વંશના કબીલા હોય છે.

[૧૩]

ઉજ્જડ થઇ જશે આ જગત આખુંય,

ઘણા ઓછા ઘર નારી થી લીલા હોય છે.

[૧૪]

દહેજ તો મારો દુશ્મન ને હું દહેજની મારી છું.

અત્યાચાર સહન કરીને જીવું આજની નારી છું.

[૧૫]

જે ઘર નારીને માને છે.

પ્રભુ પણ એને સન્માને છે.