Uncategorized

જળ સેવા એ જ પ્રભુ સેવા…..!! પાણી ની પરબો નો ઈતિહાસ ….!

Parab-Sadbhavana-Vadgam
વડગામ બસસ્ટેન્ડ ઉપર સદ્દભાવના ગ્રુપ દ્વારા ઉનાળા દરમિયાન કાર્યરત પાણી ની પરબ.

જીવન અંજલી થાજો મારૂં જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો.

કરસનદાસ માણેક ની ઉપરોકત પંક્તિ ને વડગામ તાલુકાના ગીડાસણ ગામ ના યુવાન શ્રી હરેશભાઇ ચૌઘરીના સદ્દભાવના ગ્રુપે લોકઉપયોગી સતકર્મો થકી સાર્થક કરી છે. ટીફીન સેવાના માઘ્યમથી ભૂખ્યા ને ભોજન હોય કે પછી પાણીની પરબો થકી તરસ્યા ને જળ હોય. હરેશભાઇ અને તેમનું સમગ્ર સદ્દભાવના ગ્રુપ છેલ્લા કેટલાક વર્ષો થી માનવસેવાના ઉત્તમ કાર્યો થકી સમાજમાં સેવાની પ્રેરણાદાયી સુવાસ પ્રસરાવી રહ્યું છે તે આનંદ ની વાત છે.કળયુગમાં સ્વાર્થ સર્વોપરી હોય ત્યારે પરમાર્થ ના કાર્યો કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. એવી કહેવત છે કે ઘર બાળીને તીર્થ કરો ત્યારે સેવાના કાર્યો થતા હોય છે. બહુ ઓછા લોકો સેવા અને પૂણ્યદાનનું ક્ષેત્ર પસંદ કરતા હોય છે અથવા તો ઈશ્વરકૃપાથી આવી તકો મળતી હોય છે. સમાજ માં આજે પણ એવા અનેક મહાનુભાવો છે કે સમાજ ઉપયોગી કાર્યો માં દાન સ્વરૂપે કે શ્રમ સ્વરૂપે પોતાનો યથાશક્તિ સહયોગ અવિરત પ્રદાન કરતા હોય છે જેમના થકી સમાજ માં અનેક પ્રકારના ઉત્તમ કાર્યો થતા હોય છે જે અંતે માનવતા ને દિપાવતા હોય છે.વડગામ માં પીવાના શુદ્ધ પાણી ની કાયમી સમસ્યા છે અને તેવા સમયે સાર્વજનિક જગ્યાએ અને તે પણ બળબળતા ઉનાળામાં આવી વ્યવસ્થા ગોઠવવી એ તો નોંઘ લેવી પડે તેવી ઘટના છે. વાત નીકળી જ છે તો થોડો વડગામ તાલુકામાં પાણીની પરબોનો ઇતિહાસ પણ જાણી લઈએ.

તાલુકા મથક વડગામ માં આવેલી પ્રાચીન વાવ
તાલુકા મથક વડગામ માં આવેલી પ્રાચીન વાવ

પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ-શ્રેષ્ટીઓ ગામે ગામ વિરડા, વાવો અને ગામકૂવા ગળાવતા એ સાર્વજનિક પીવાના પાણીના સત્રોતો હતા અને એ દ્વારા પ્રજાની જળ સેવા કરવામાં આવતી. વચ્ચે કયાંક ક્યાંક હેન્ડપંપ પણ જોવા મળતા. આ બઘા મોટે ભાગે ગામને પાદરે જ હોય એટલે આવતા જતાં મુસાફરો કે વટેમાર્ગુ ઓ પીવાના પાણી માટે જરૂર મુજબ તેનો આસાનીથી ઉપયોગ કરી શકતા . ગામકૂવે પનિહારીઓ વટેમાર્ગુ ઓને ડોલથી સિંચીને પાણી પાતી. વટેમાર્ગુ હાથ માંડીને પાણી પી લેતા. આ પનિહારીઓ જે તે સમયે જળ સેવાનું ઉમદા કાર્ય કરતી.

સ્વ. ભવાનભાઈ પચાણભાઈ ભુતડીયા નાં સ્મરણાર્થે એદ્રાણા બસસ્ટેન્ડ ઉપર આવેલુ વારિગૃહ
સ્વ. શ્રી ભવાનભાઈ પચાણભાઈ ભુતડીયા નાં સ્મરણાર્થે એદ્રાણા બસસ્ટેન્ડ ઉપર આવેલુ વારિગૃહ

ગામના પાદરે કે બસ-સ્ટેન્ડે ઠંડા પાણીના બે-ત્રણ માટલા મુકીને તેના ઉપર પલાડેલું કપડું વીંટાળીને બેઠેલી બેનો દસીયું, પોંચીંયું કે પચાસ પૈસા લઇને સરસ મઝા નું એક ગ્લાસ ઠંડુ પાણી આપે જો કે અમુક જગ્યાએ વિનામૂલ્યે પણ આ વ્યવસ્થાના રૂપે પીવા પાણી મળતું. ત્યારબાદ વડગામ તાલુકાના અમુક  ગામડાઓમાં જે તે ગામના દાતાશ્રીઓના સહયોગથી પાણીની પાકી પરબોનું (ટાંકી સ્વરૂપે) બાંધકામ કરવામાં આવ્યું જેમાં પાણી ગ્રામ પંચાયત ની પાઈપ લાઈન થી પુરૂ પાડવામાં આવતું આજે પણ ઘણી જગ્યાએ આ વ્યવસ્થા છે.

Parab-adrana-Dairy
સ્વ. શ્રી સરદારભાઇ રામસંગભાઈ ભુતાડીયા નાં સ્મરણાર્થે એદ્રાણા દૂધ મંડળી ખાતે કાર્યરત પાણી ની પરબ.

મેં વડગામ તાલુકાના અમુક ગામડાઓમાં દાતાશ્રીઓ દ્વારા બાંધવામાં આવેલી પીવાના પાણીની આવી પાકી પરબો જોઇ છે. આવા તમામા નામી -અનામી દાતાશ્રીઓને વડગામ. કોમ આજના પ્રસંગે સલામ કરે છે. જો કે આ વ્યવસ્થા મહદઅંશે નિષ્ફળ ગઈ એનું એક માત્ર કારણ લોકો માં સેલ્ફ ડિસિપ્લિન નો અભાવ. કોઈ જ્ગ્યા એ પ્યાલા ચોરાઈ જાય તો વળી કયાક નળ તુટી જાય. નિયમિત જાળવણીને અભાવે સ્વચ્છતાની સમસ્યા વગેરે… એ તો ઠીક દાતાશ્રીઓની તકતી ઉપર ઘંઘાકીય જાહેરાતના સ્ટીકર પણ લાગી જાય. પાણીનો પીવાની જગ્યા એ લોકો અન્ય કામ માટે પણ ઉપયોગ કરે જેમ કે વેપારીઓ દ્વારા ધંધાર્થે આવા પાણીનો ઉપયોગ કરવો. દાતાશ્રીઓના  મુંગા પ્રાણીઓ માટે હવાડો બંઘાવયો હોય પણ ત્યાં ઘોબીઘાટ થઇ જાય. કુંડા લટકાવયા હોય પણ અંદર પાણીની જગ્યાએ સુકા પાંદડા પડ્યા હોય. દુરભાગયવશ આ એક આપણી કમજોરી છે.

Plastic Chart
શ્રી બાબુજી માનાજી સોલંકી નાં સહયોગથી વડગામ નાં પ્રાચીન મંદિર બ્રહ્માણી માતાજી મંદિર પ્રાંગણમાં કાર્યરત પાણી ની પરબ .

ધાર્મિક સ્થળો એ પણ સાર્વજનિક પાણીની પરબો જોવા મળતી હોય છે જેની સ્થિતિ મહદઅંશે સારી હોય છે પણ સ્વચ્છતાનો અભાવ જેમ નો તેમ હોય છે.આજે ઠંડા પાણીની એક લીટરની મિનરલ  બોટલ 20 રૂપિયામાં વેચાય છે. ત્યારે આપણા વડગામ ના યુવાનો તાલુકા મથક વડગામ ના બસ-સ્ટેન્ડ ઉપર ગરમીની ઋતુ દરમિયાન રોજનું સરેરાશ 1000 લિટર પીવાના મિનરલ વોટરની વિનામૂલ્યે જાહેર જનતા ની સેવામાં વ્યવસ્થા ગોઠવે તે આપણા સૌના માટે ગૌરવપ્રદ ધટના છે.વડગામ ના શ્રી ઘવલભાઇ બારોટ અને દિગ્વિજય સિંહે સતત બીજા વર્ષે તાલુકા મથક વડગામમા વટેમાર્ગુ ઓ માટે વિનામૂલ્યે પીવાના શુદ્ધ પાણીની  પરબ માંડી છે તે અભિનંદન ને પાત્ર છે.

 

Parab-Vadgam Busstand
સ્વ.શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી નાં સ્મરણાર્થે વડગામ બસસ્ટેન્ડ ઉપર કાર્યરત પાણી ની પરબ.

સદભાવના ગ્રુપ વતી આ વખતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકો પોતાના ગામ કે શહેરમાં આવી પરબો ની વ્યવસ્થા કરે તે અગાઉ જે જગ્યાએ પરબ મંડાણી હોય તેનું ઉદઘાટન કરે જે અંતર્ગત વડગામ ના વતની અને ડિસા માં પોતાની હોસ્પિટલ ચલાવતા skin disease specialist ડો. અતુલભાઈ ચૌધરીએ ડીસામાં પીવાના પાણીની પરબ ખુલ્લી મુકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડો. અતુલ ભાઈ અને તેમના મોટાભાઈ હિતેશભાઇ કાનજીભાઈ ચૌધરી એ પોતાના પુત્રોની જન્મદિવસ ની અનોખી ઉછવણી કરતા સદભાવના ગ્રુપ ના માધ્યમથી ચાલતા ટીફીન સેવામાં 70 નવા ટીફીન આપી સત્કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.હવે તો પાણી પણ વિચારીને વાપરવાની વસ્તુ બની ગઇ છે અને એ એક નક્કર હકીકત છે. આમ પણ મોટા ભાગના લોકોને જે વસ્તુ મફત મળતી હોય તેની કિમંત સમજાતી નથી ત્યારે આવી પૂણ્યરૂપી પરબો નો જરૂરિયાત પુરતો ઉપયોગ થાય તેની દરેક વ્યક્તિ એ સાવચેતી રાખવી પડશે નહી તો પાણી લેબોરેટરી ઓમાં બનાવી શકાતું નથી. કુદરતી સ્ત્રોતો દિનપ્રતિદિન સુકાતા જાય છે. અને પાણી છે ત્યાં સુધી જીવન છે એ તો બધાને ખ્યાલ જ છે. તાજેતર માં જ એવા સમાચાર છે કે ઉત્તર ગુજરાત ને પાણી પૂરું પાડતા ધરોઈ ડેમ માંથી આ ઉનાળા માં સિચાઈ માટે પાણી નહિ મળે કારણ એટલું જ કે પીવા માટે તો પાણી બચાવવું પડશે.

 

સત્કર્મોની ચેનલમાં સદ્દભાવનાથી સહભાગી સૌ નામી-અનામી મહાનુભાવો ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

 

www.vadgam.com