વડગામનો ઇતિહાસ, વડગામનો ચોતરો (ઓટલો), સાહિત્ય-લેખો

ભોળી નદી :- પ્રણય વડગામા

[વડગામ તાલુકાના મગરવાડાના વતની અને વ્યવ્સાયે પ્રાથમિક શિક્ષક શ્રી કાનજીભાઈ સોલંકી (પ્રણય વડગામા) કે જેઓએ સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે નોધપાત્ર કાર્ય કર્યુ છે તેઓ શ્રી દ્વારા વડગામ તાલુકાની વિસરાઇ ચુકેલી ભોળી નદી વિશે રસપ્રદ લેખ લખ્યો છે જે સભાર અત્રે પ્રસ્તુત છે. ]

નામશેષ બની ગયેલ અને કેટલાક લોકો જેના નામથી પણ અજાણ છે તેવી એક સરિતાની વાત આજે કરવી છે. નામે અને સ્વભાવે(સ્વભાવે ભોળી એટલા માટે કે ક્યારેય ભોળીએ લોકોને પરેશાન કર્યાં હોય તેવું સાંભળ્યું નથી, નહીં તો લોકમાતા કહેવાતી સરિતાઓએ પણ ક્યારેક માઝા મૂકીને ગામોનાં ગામોને હતાં ન હતાં કરી દીધાના અનેક દાખલા છે. આમ સ્વભાવે) પણ “ભોળી” એવી આ નદીની, તેની સાથે સંકળાયેલ અમારા ગામનાં બેત્રણ સ્થળોની અને તે નદીની સાથે જોડાયેલાં મારા બાળપણનાં સંસ્મરણો વાગોળવા આ લેખ લખ્યો છે.

આપણા વડગામ તાલુકાના છનિયાણા ગામમાં આવેલ અરવલ્લીની પર્વતમાળાના નાના નાના પર્વતો, જે સ્થાનિકોમાં “છનિયાણાની ભાંખરીઓ” નામથી ઓળખાય છે ત્યાંથી એક નાનકડી સરિતા નીકળતી. “ભોળી” નામે ઓળખાતી આ નદી સાવ નાનકડી….! પોતાના જન્મસ્થાન એવા છનિયાણાના નાનકડા પર્વતો/ટેકરીઓમાંથી નીકળીને કોટડી ગામના નામ પરથી ઓળખતા “કોટડીના વહોળા”માં મળી જતાં પહેલાં એ માત્ર ૩૦/૪૦ કિલોમીટરનું જ અંતર કાપતી ને એ દરમિયાન ભોળી છનિયાણા, વરવાડિયા, વડગામ, મગરવાડા, બાવળચૂડી અને કોટડી એમ માત્ર પાંચ/છ ગામોનો જ સીમાડો ભાળતી. વળી ભોળી જેમ કદમાં સાવ નાનકડી નદી હતી એમ એનું આયખું પણ ટૂંકું જ રહેતું. નબળા ચોમાસા પછી તો મોટાભાગે તે અલ્પજીવી રહેતી, દિવાળી સુધી તો તે હસતી રમતી, પણ કારતક-માગશર વટાવ્યા બાદ તેના પ્રવાહમાં ઓટ આવી જતી. આમ તેનું આયખું માત્ર ચાર પાંચ માસનું જ રહેતું. છ મહિનાથી વધુનું આયુષ્ય તો જે વર્ષે મેઘરાજા મનમૂકીને આખું ચોમાસું વરસ્યા હોય તે વર્ષે જ તેને ભોગવવા મળતું.

અમારા મગરવાડા ગામથી નજીકમાં પૂર્વ દિશામાં ઉત્તરથી દક્ષિણ દિશામાં ભોળી વહેતી. જૂના ગામની પૂર્વ દિશાએ આવેલ વણકર વાસ, રોહિત વાસ, વાલ્મીકિ વાસ અને ઠાકોર વાસથી એ નદી સાવ નજીક ! ગામમાં જૂના વણકર વાસની પૂર્વ દિશાએ આવેલ રામદેવપીરના મંદિર આગળથી ભોળી પસાર થતી. બાળપણમાં એ ભોળી નદીના છીછરા જળમાં અમે ન્હાતા એવું મારી સ્મૃતિમાં સચવાયેલું છે. ભોળીના પાણીનો ઉપયોગ પીવામાં થતો હોય તેવું મને યાદ નથી, પણ અમારા વાસથી ભોળી સાવ નજીક હતી એટલે મહોલ્લાની વહુવારુઓ અને બેનદીકરીઓ કપડાં ધોવાથી લઈને ગોદડાં ગાભાં ધોવાનું કામ એના છીછરાં જળથી જ આટોપતી અને ગામનાં ઢોર ઢાંખર તેના કિનારે ચરતાં રહેતાં. ભોળીના નીરનો એક ફાયદો હતો તેના બેય કિનારેથી નજીક આવેલ કૂવાઓ બારેમાસ જળથી સભર રહેતા. તેના પટથી સાવ નજીક આવેલ વાલ્મીકિ ભાઈઓના કૂવામાં તો બારેમાસ પાણી છલોછલ રહેતું. ચોમાસામાં તો તે કૂવામાંથી પાણી કાઢવા માંડ બેપાંચ હાથના દોરડાની જરૂર પડતી ! ક્યારેક તો મોટેરાઓ વાંકા વળીને માટલું કે ડોલ હાથમાં પકડીને હવાડામાંથી પાણી કાઢતા હોય તેમ તે કૂવામાંથી પાણી કાઢી શકતા.

ચોમાસામાં તો ભોળી નદી બે કાંઠે વહેતી, એમાં ખાસ્સુ પાણી વહેતું રહેતું, પણ શિયાળા દરમિયાન એનો પ્રવાહ ઓસરી જતો, છતાં એનો પાતળો પ્રવાહ તો અમુક વખતે, ચોમાસુ સારુ રહ્યું હોય તો છેક ઉત્તરાયણ કે હોળી સુધી વહેતો રહેતો.

શિયાળો પૂરો થવામાં હોય ત્યારે મહુડાંની સીઝન શરૂ થતી ને એ વખતે *ભોલણીયે નાળે* (વડગામ-મગરવાડા રોડને વીંધતી ભોળી નદી પર બંધાયેલું નાળું અને એ નાળાની આસપાસના વિસ્તારને આ નામે જ આખું ગામ ઓળખતું.) અને તેની નજીક આવેલ વાવવાળા ખેતરની પાસે આવેલ મહુડાનાં ઝાડ નીચે અમે બધાં બાળકો મહુડાં ખાવા/વીણવા જતા.

આ નદી સાથે સંકળાયેલ અમારા ગામનું *ભોળી ટીંબો* નામનું સ્થળ પણ જાણીતું છે. મગરવાડાથી બાદરગઢ જતાં વચ્ચે એ રસ્તાને ક્રોસ કરતો ભાંગરોડિયાથી સીધા વડગામ જવાનો એક ગાડા માર્ગ પસાર થાય છે. બેય બાજુ ક્યાંક ખેતરોને તો ક્યાંક ગૌચરને વીંધીને નીકળતો એ ધૂળીયો મારગ આ ભોળી ટીંબા પાસેથી પસાર થતો.(હવે તો એ રસ્તો પણ પાકો/ડામરનો બની ગયો છે.) ભોળી નદી પણ એ ટીંબાની બાજુમાંથી જ વહેતી ને ભરપૂર વરસાદને લીધે તેમાં પાણીનો પ્રવાહ વધી જતો ત્યારે તેના ધસમસતાં પ્રવાહથી એ ટીંબા પર તેણે મોટાં મોટાં વાંઘાં/ઓઘાં રૂપે પોતાની હયાતીની નિશાનીઓ મુકેલી. આ વાંઘાં/કોતરો એટલાં ઊંડાં અને વિશાળ હતાં કે ઊંટ જેવું ઊંચું પ્રાણી પણ તેમાં ચરતું હોય તોય દેખાય નહીં. આજથી ચાલીસ/પચાસ વર્ષ પહેલાં ઊંડાં અને વિશાળ એવાં એ કોતરો “અધવઘુ(અર્ધો વાઘ)” નામે ગામલોકોમાં ઓળખાતા રહસ્યમય વન્યપ્રાણીની સાથે વેંઝુ, વણિયર, ઘોરખોદિયું, ઝરખ, શિયાળ, લોમડી તથા નોળિયા જેવાં માંસાહારી અને વાંદરા તથા નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓના આશ્રયસ્થાન હતાં. આ બધા વન્યપ્રાણીઓ ભોળી ટીંબાનાં એ વાંઘાં/કોતરોમાં નિર્ભય બનીને વિહરતાં રહેતાં ને પોતાનું આયખું પૂરું થયે વન્યજીવો માટે સ્વર્ગ સમાન ગણાય તેવા આ રહેઠાણને તેઓ પોતાની આગલી પેઢીને વિહરવા માટે આપી અનંતની યાત્રાએ ઉપડી જતાં. વળી આ કોતરોમાં અને તેની આસપાસના વિસ્તારમાં આવળ, ભોંય બાવળ,  બોરડી, કેરડા અને કંથેરનાં જાળાં વિપુલ માત્રામાં હતાં ને જાળાં પર ડોડી, ગળો તથા અન્ય વગડાઉ લતાઓ ફૂલતી ફાલતી. સાથે સાથે તે વિસ્તારમાં દેશી બાવળ અને કણજીઓનાં થોડા ઘણાં ઝાડ પણ ખરાં. આમ વનસ્પતિની આ વિપુલતા પ્રાણીઓની સાથે અનેક જાતનાં પક્ષીઓને પણ રહેઠાણ પૂરું પાડતી.  જોકે ભોળી નદીના નામશેષ થવાથી અને કાળની ગર્તામાં ડૂબી જવાથી અત્યારે ભોળી ટીંબાની જાહોજલાલી પહેલાં જેવી રહી નથી, પણ આજની તારીખે યે ત્યાં રહેલા નાનાં વાંઘાં ભોળી નદીના યૌવનની હાજરી પુરાવતાં દૃશ્યમાન થાય છે.

ભોળી નદી, ભોલણીયું નાળું અને ભોળી ટીંબાની યાદો સ્મૃતિપટ પર હજી તાજી છે, પણ કુદરતના ખોળે વિતાવેલ બાલ્યાવસ્થાના એ સોનેરી દિવસો હવે તો દોહ્યલા જ રહ્યા…! હવે એ દિવસો પાછા મળવા અશક્ય છે….! સ્મૃતિ રૂપે જ શેષ રહ્યા છે…!

— “પ્રણય વડગામા” (મગરવાડા)