ચોમાસુ -૨૦૨૫ : વર્ષા વિશ્લેષણ-ભાગ -૧
તાલુકા મથક વડગામ મુકામે અત્યાર સુધી આ લખાય છે ત્યા સુધી એટલે કે ૩, જુલાઇ, ૨૦૨૫ ની રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ચાલુ મોસમના કુલ નોધાયેલ ૫૦૦ મી.મી વરસાદ પૈકી ૩૦૦ મી.મી વરસાદ તો માત્ર ૧૪ કલાકમા જ વરસી ગયો જે પંથક્ની સરેરાશ વરસાદના ૪૦% ગણી શકાય. ૨૦૨૪ની ત્રીજી જુલાઇએ વડગામ પંથક્મા કુલ વરસાદ માત્ર ૩૨ મી.મી તાલુકા કંટ્રોલરૂમ ખાતે નોધાયો હતો. એટલે આ વર્ષે પાછલા વર્ષની તુલનાએ મેધરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે.એક મહત્વની બાબત એ જાણવા જેવી છે કે ૧૨ ઇંચ વરસાદ જો અરવલ્લીની ગિરિમાળાઓમા વરસે તો તાલુકા આસપાસની ઉમરદસી, અર્જુની, કુંવારકા, જોયણ, ભોળી, ખારી વગેરે નદીઓમા ભરપૂર નીર વહે છે અને આ ૧૨ ઇંચ વરસાદ જો વડગામ વિસ્તાર આજુબાજુ જ પડે અને અરવલ્લી પર્વતો વરસાદ વિહોણા રહે તો એની ખાસ અસર નદીના વહેણ ઉપર પડતી નથી.
અર્જુની, જોયણ, ખારી, ભોળી વગેરે સરસ્વતીને સહાયક નદીઓ જીવંત જોવા મળી. નદીઓ ના ઉદ્દગમ સ્થાન મહ્ત્વના છે એ વિસ્તારોમા જેટલો વરસદ વધુ એટલા પર્વતોના અનેક નાના મોટા ઝરણાઓ પાણીને ગતિ આપવામા સહાયક બને,મોકેશ્વર ડેમ હજુ પાણી વિના ટળવળે છે અને માત્ર ૨૮% જેટલુ સ્ટોરેજ ત્રીજી જુલાઈ,૨૦૨૫ ની રાત્રે ૮.૦૦ વગ્યા સુધી છે એટલે હજુ અરવલ્લીઓના પહાડોમા વરસાદ કૃપા કરે અને નદીમાતાઓ એને લઈને આવે તો ડેમની સ્થિતિ સુધરે. આ વર્ષે ચોમાસાએ જે ધમાકેદાર શરૂઆત કરી છે એ જોતા આશા જરૂર રાખીએ કે ડેમ ઓવરફ્લો થાય અને સરસ્વતી નદીનો પ્રવાહ સિધ્ધ્પુર સુધી પહોંચે.
પંથકના જળ મંદિરો સમા કુદરતી તળાવો પ્રર્ત્યે આપણે દુર્લક્ષ્ય સેવ્યુ છે જે આજે પણ અનેકઘણુ પાણીનો સંગ્રહ કરી પંથક્ની ભૂગર્ભ જળ સમ્સ્યાને ઉકેલી શકવા સક્ષમ છે. નદી અને તળાવો એવા સ્ત્રોતો છે જે ભૂગર્ભ જળની સમ્સ્યાનો ઉકેલ આપી શકે છે. અહી વડગામ તાલુકા મથક મુકામે આવેલ ભાઈ-બહેનના તળાવનો તાજો વિડીયો એ સમજ્વા મુક્યો છે કે વર્ષોથી નજરઅંદાજ રહેલ કુદરતી તળાવની અંદર ગાંડા બાવળે નદીના પટમા જમાવ્યુ એમ કેવુ સામ્રાજ્ય આ તળાવમા જ્માવી દીધુ છે. આ વર્ષો જુના તળાવમા હજુ વરસાદી પાણીનો આવરો ચાલુ છે એટલે એ ૧૦-૧૨ ઇંચ વરસાદમા તો સમ્પૂર્ણ ભરાઈ જાય છે આ તળાવની સાફ સફાઇ કરી એને ઉંડુ કરવામા આવે તો કેટલુ બધુ પાણી સંગ્રહ થઇ શકે એનો આપણને અંદાજ નથી આ તો માત્ર એક તળાવનુ ઉદાહરણ આપ્યુ આવા તો અનેક કુદરતી તળવો વડગામ પંથક્મા આવેલા છે જેને ગામલોકો સહીયારા પ્રયાસથી એને જાળવી અનેક ઘણુ પાણી એમા સંગ્રહ કરી શકે છે.
વરસાદી પાણીના સંગ્રહ કરતા તળાવો અને વરસાદી પાણીને યોગ્ય માર્ગે વહેતી નદી સુધી પહોંચતા કુદરતી માર્ગો અવરોધવાથી માત્ર દસ ઈંચ વરસાદને આપણે ભારે વરસાદ કહીએ છીએ. વાસ્તવમાં પ્રાકૃતિક વ્યવસ્થાઓ ૧૦૦ ઈંચ વરસાદને ઝીલી સમગ્ર ઈકો સિસ્ટમને જીવંત રાખવા સક્ષમ હતી. જળ, જમીન અને જંગલ ઉપરનું માનવીય અતિક્રમણ ક્યારે વિનાશનું કરણ બને એ કહી શકાય નહીં.
– નિતિન એલ.પટેલ (વડગામ)